વડોદરા શહેરમાં છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું એકહથ્થુ શાશન રહ્યું છે અને વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવાની વાતો કરી વાહવાહી લૂંટવામાં આવી રહી છે, પરંતુ હકીકત એ છે કે, શહેરની વેરો ભરતી જનતાને પીવાનું શુધ્ધ અને પૂરતું પાણી પણ મળતું નથી. ગતરોજ ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે આગામી 18 મી જૂનના રોજ વડાપ્રધાનના વડોદરા શહેરમાં આગમનને લઇને ભાજપના નેતાઓ, મેયર સાથે ચર્ચાઓ ચાલી રહી હતી ત્યારે જ માંજલપુરના ધારાસભ્ય અને મેયર વચ્ચે શહેરના દક્ષિણ વિસ્તારમાં 50 એમ.એલ.ડી. પાણી બાબતે સામસામે વાકયુધ્ધ સર્જાતા ધારાસભ્ય દ્વારા પાણી અંગે આંદોલન સુધ્ધાંની ચિમકી આપવામાં આવી હતી.
છેલ્લા 27 વર્ષના ભાજપના કુશાસનમાં વિશ્વામિત્રી નદીની ગંદકી દૂર થઇ નથી, પરંતુ વિશ્વામિત્રી નદીને સ્વચ્છ કરવા માટે પણ ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપો આજે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા શહેર પ્રમુખ ઋત્વિજ જોશી દ્વારા કરવામાં આવ્યા હતા. સાથે સાથે જ તેમણે જણાવ્યું હતું કે, ચોમાસામાં માત્ર 2-3 ઇંચ વરસાદમાં આખું શહેર જળમગ્ન થઇ જાય છે. શહેરને શાંઘાઇ બનાવવાની વાતો કરતા નેતાઓ અને પાલિકા તંત્ર શહેરની સ્વચ્છતા બાબતે પણ ઉદાસીન જણાય છે, ત્યારે આ તમામ બાબતોથી દેશના પ્રધાનમંત્રી અને વડોદરા લોકસભાથી ભવ્ય જીત મેળવી વારાણસી લોકસભા સીટ પસંદ કરનાર નરેન્દ્રભાઈ મોદીને વડોદરા કલેક્ટરના માધ્યમથી સચ્ચાઇથી અવગત કરાવવા વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા કલેક્ટરની કચેરી ખાતે મોટી સંખ્યામાં પ્લેકાર્ડસ, બેનરો અને સૂત્રોચ્ચાર સાથે પહોંચી જઇ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
વડોદરામાં કોંગ્રેસ દ્વારા પાણી સહિતની અન્ય અસુવિધા અંગે વડાપ્રધાનને રજૂઆત કરવા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું.
Advertisement