વડોદરા શહેરના વારસિયા રોડ જુના RTO પાસે આજે બપોરે મુખ્ય માર્ગ પર ભુવો પડતા વાહનવ્યવહાર ખોરવાયો હતો. ભુવો પડતાંની સાથે જ સ્થાનિક રહીશોએ વોર્ડ 6 ના નગરસેવકોને ફોન કર્યો હતો. જેમાં બંને મહિલા નગરસેવકોએ ફોન પણ ઉઠાવ્યો ન હતો જ્યારે એક કાઉન્સિલરે અન્ય કાઉન્સિલરને ખો આપતા સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળ્યો હતો.
વડોદરા શહેરના વિવિધ રાજમાર્ગો પર ખાડાઓને કારણે રાહદારીઓ પરેશાન થઈ ઉઠયા છે. શહેરના વિકાસપથ તરીકે ઓળખાતા રિંગ રોડ પર ખોરંભાયેલા વિકાસે ભરડો લેતા સર્વિસ રોડના સહારે કલાકો સુધી ટ્રાફિકજામમાં રાહદારીઓ અટવાઈ પડે છે. જ્યારે હવે શહેરના અંતરિયાળ વિસ્તારમાં પણ રસ્તાઓની બિસ્માર હાલત સામે આવી છે.
શહેરના વારસિયા વિસ્તારમાં જુના RTO પાસે આજે મુખ્યમાર્ગ પર વિશાળ ભુવો પડ્યો હતો. લગભગ 10 ફૂટ પહોળો અને પાણીથી ભરેલો ભુવો પડતાની સાથે જ સ્થાનિક વેપારીઓએ એક તરફનો રસ્તો બંધ કરવો પડ્યો હતો. સ્થાનિક વેપારીઓ એ વોર્ડ 6 ના ભાજપના નગરસેવકોને ફોન કરીને તાત્કાલિક અસરથી ભુવો પુરવા અંગે રજુઆત કરવા ફોન કરતા મહિલા નગરસેવક હેમિષા ઠક્કર અને જયશ્રીબેન સોલંકીએ સ્થાનિક વેપારીનો ફોન સુદ્ધા ઉપાડ્યો ન હતો. જ્યારે સ્થાયી સમિતિના સભ્ય ડો. શીતલ મિસ્ત્રીને ફોન કરતા બીજા ફોને ફોન ઉપાડ્યો હતો અને તેઓ કામમાં બીઝી હોય અન્ય નગરસેવકને ફોન કરવા જણાવી નાગરિકોને ખો આપી દીધી હતી.
સમગ્ર ઘટનામાં સ્થાનિક રહીશોએ ભાજપના નગરસેવકો સામે રોષ ઠાલવ્યો હતો. ભારે બહુમતીથી જીતાડયા બાદ જ્યારે પ્રજાને કામ પડે ત્યારે નગરસેવકોને ફોન ઉપાડવા સુધ્ધાની ફુરસત નથી. જ્યારે એક નગરસેવક ફોન ઉપાડે છે તો અન્ય નગરસેવકને ખો આપીને પોતાની જવાબદારીમાંથી છટકી જાય છે. અંતે હિલાલાલ કંજવાણીએ સ્થળ પર આવી પાલિકાના અધિકારીઓને ત્વરિત કામગીરી કરવા માટે સૂચના આપી હતી.