વડોદરાના સ્ટેશન અને એસએસજી હોસ્પિટલની પાછળ આવેલા જેલ રોડ પર વાહનોની ભારે ચહલ પહલ રહે છે. આ બંને જગ્યાઓ પર રોડની બાજુમાં આવેલા ફૂટપાથ પર અનેક નિસહાય વૃદ્ધો જીવનનો અંતિમ સમય ગાળી રહ્યા છે. અહિંયાથી પસાર થતા હજારો લોકોમાંથી કેટલાકને આ નિસહાય વૃદ્ધો માટે લાગણી થાય તો તેઓ તેમને પૈસા અથવાનો વસ્તુ આપીને જતા હોય છે. પરંતુ તેમને નિયમીત રીતે ભોજન સહિતની સુવિધાઓ મળી રહે તે માટે કોઇ આગળ આવતું નથી. આ સ્થિતી નિયમીત રીતે જોતા શહેરના યુવાને નિસહાય વૃદ્ધોને જ પોતાનો પરિવાર બનાવી લીધો છે. અને આ જ રીતે વડોદરાની શ્રવણ સેવા સંસ્થા અસ્તિત્વમાં આવી, શ્રવણ સેવાના ઠક્કર ફાઉન્ડર નિરવ ઠક્કર છેલ્લા 300 દિવસથી પણ વધુ સમયથી ફુટપાથ પર બેબસ બનીને નિસહાય જીવન જીવતા વૃદ્ધો માટે ઘરે જમવાનું બનાવડાવે છે. અને નિયમીત રીતે 70 થી વૃદ્ધોને ઘરનું જ જમવાનું પહોંચાડે છે. જમવાનું આપવાનું શરૂ કર્યું ત્યાર બાદથી ધીરે ધીરે રહીને નિસહાય વૃદ્ધોએ મનખોલીને તેમની સાથે સંવાદ કરવાનું શરૂ કર્યું. હવે જમવાની સાથે ક્યારેક બ્રથ, નાહવાનો સાબુ, તો ક્યારેક દવા લાવી પણ આપે છે.
નિરવ ઠક્કર જણાવે છે કે, હવે રસ્તા પર જીવન વિતાવતા વૃદ્ધો જ મારો પરિવાર છે. કોઇ મને દિકરો તો કોઇ મને મોટો ભાઇ ગણે છે. અમારી ટીમ જ્યારે જમવાનું લઇને આવે ત્યારે નિસહાય લોકોના મોઢા પર જે ખુશી જોવા મળે છે, તે ક્ષણ અમારા માટે અમુલ્ય છે. નિસહાય વૃદ્ધો તરછોડાયેલા છે, તેઓ આ સ્થિતીમાં રહેવા માટે કોઇને કોઇ કારણોસર મજબૂર બન્યા છે. અમે તેમને જમવાનું આપવાની સાથે તેમની સાથે સંવાદ કરીએ છીએ, તેઓને રોજબરોજ પડતી મુશ્કેલીઓને જાણીએ છીએ, અને તેનું સમાધાન લાવવા માટે પ્રયાસ કરીએ છીએ.
વધુમાં જણાવે છે કે, ગતરોજ શહેરના સ્ટેશન પર રહેતા એક વૃદ્ધ તથા જેલ રોડ પર ફુટપાથ પર રહેતા વૃદ્ધે ગરમીના કારણે નાહવાની તથા દાઢી વાળ કઢાવી નાંખવા માટે અરજ કરી હતી. અમારી ટીમે તમામને કારમાં લઇ જઇને નાહવા, વાળ કાપવા તથા દાઢી કરવાની સુવિધા કરી આપી. તમામને નવા જોડી કપડાં પણ આપ્યા હતા. તથા તેઓને વાગે નહિ તે માટે તેમના નખ પણ કાપી આપવામાં આવ્યા હતા. નાહી ધોઇને સ્વચ્છ થયા બાદ અરીસામાં તમામે પોતાને જોયા તો એક તબક્કે અચરજમાં પડી ગયા હતા. અને માથું અને દાઢીને વારંવાર અડકીને ચોખ્ખી જોઇ તેઓ મનોમન હરખાતા હતા. ગતરોજ ત્રણ વૃદ્ધોને આ રીતે મેકઓવર કરવામાં આવ્યું હતું.
નિરવ ઠક્કર જણાવે છે કે, ત્રણ પૈકી એક વૃદ્ધનું નામ મધુરભાઇ હતું. તેઓ મુળ બિહારના હતા. અને તેમના પરિવાર આજે પણ ત્યાં રહે છે. તેમને તેમને પુત્રનો મોબાઇલ નંબર યાદ હતો. સ્વચ્છ થયા બાદ તેઓએ ફોન કરવાની ઇચ્છા વ્યક્ત કરી. મેં તુરંત જ ફોન લગાડ્યો, સામેથી ખરાઇ કરતા માલુમ પડ્યું કે, પરિવાર મધુરભાઇને પોતાની પાસે ઇચ્છે છે. પણ તેમની પાસે ટીકીટના પૈસા મોકલી શકાય તેમ નથી. મધુરભાઇની ઇચ્છા હતી. એટલે મેં તેમને બિહાર જવાની વ્યવસ્થા કરી આપી. અને તેમને રસ્તામાં ખર્ચ કરવા જરૂર પડે તે માટે રોકડા રૂપિયા પણ આપ્યા હતા. તેની સાથે જમવાની પૂરી વ્યવસ્થા કરી આપી હતી. શ્રવણ સેવા પરિવાર પોતાની મહેનતથી ઉદાહરણરૂપ કામગીરી કરી રહ્યું છે તેનો ગર્વ છે. અમે રોજેરોજ લોકોના જીવનમાં બદલાવ લાવવા માટે મહેનત કરી રહ્યા છે.