વડોદરાના કરજણ તાલુકાના ગંધારા ગામની સીમમાં આવેલ જિલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા ગંધારા સુગર ખાતે આજરોજ કરજણ ધારાસભ્ય સહિત સુગરના કસ્ટોડિયન બોર્ડ દ્વારા ખેડૂત સભાસદો સાથે એક બેઠક યોજી શેરડીની નવી જાતોનું માર્ગદર્શન આપી વધુ શેરડીનું વાવેતર કરવા અનુરોધ કરાયો હતો. મળતી માહિતી અનુસાર વડોદરા જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન અને સૌથી મોટી સહકારી સંસ્થા એવી ગંધારા સુગર છેલ્લા ત્રણ વર્ષ ઉપરાંતથી બંધ હાલતમાં હતી.
જેને પુનઃ શરૂ કરવા માટે મોટાફોફળિયાના દાતા કિરણભાઈ પટેલ, જીતુભાઈ પટેલ, તાલુકાના ખેડૂતો સહિત તાલુકાના વિવિધ સહકારી સંસ્થા સાથે જોડાયેલા આગેવાનો દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા હતાં. છેવટે સરકાર તરફથી લીલી ઝંડી મળી જતાં નવીન નિમાયેલા કસ્ટડીયન બોર્ડ દ્વારા બંધ પડેલી સુગર ફેક્ટરીને ફરી કાર્યરત કરવા તેની મશીનરીની મરામત તેમજ અન્ય સબંધિત કામગીરીમાં પુરજોશમાં જોતરાઈ ગયાનું અને આવનાર સમયમાં વહેલીમાં વહેલી તકે સુગર ફેકટરી ધમધમતી થાય તેવા પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે. જે સંદર્ભે કસ્ટડીયન બોર્ડ દ્વારા આજ રોજ ગંધારા સુગર ફેકટરીના હોલમાં તાલુકાના ખેડૂત સભાસદોની એક બેઠક યોજવામાં આવી હતી.
જેમાં ગંધારા સુગર ચલાવવા માટેનું મુખ્ય રો મટીરીયલ ગણાતું શેરડીનું વાવેતર વધુમાં વધુ થાય એ વિશે હાજર ખેડૂત સભાસદોને જણાવવામાં આવ્યું હતું. જેની માટે વિવિધ શેરડીની જાતો વિશે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન અપાયું હતું. ઉપસ્થિત જીતુભાઈ પટેલ દ્વારા સુગર ફેક્ટરીનો વહીવટ નિષ્પક્ષ અને પારદર્શક તેમજ કોઈ પણ જાતની લાગવગ કે ભેદભાવ વિના ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી વહીવટ કરવામાં આવશે અને દરેક ખેડૂતોને તેનું યોગ્ય વળતર ચુકવવામાં આવશે એમ જણાવ્યું હતું.
કૃષિ તજજ્ઞો દ્વારા તૈયાર કરાયેલા અને વધુ ઉત્પાદન આપતી શેરડીની જાતોના ટીશયું,રોપા પણ કસ્ટડીયન બોર્ડ દ્વારા આપવાની તૈયારી બતાવી હતી. બોર્ડ દ્વારા તાલુકાના ખેડૂતોને વધુમાં વધુ શેરડીનું વાવેતર કરી આ આપના બધાની જ સંસ્થા છે તેમ સમજી તેને આવનાર દિવસોમાં સધ્ધર બનાવી શિખર ઉપર લઈ જવામાં યોગદાન આપવાની હાંકલ કરી હોવાનું જાણવા મળે છે. આ પ્રસંગે ઉપસ્થિત ખેડૂત સભાસદોએ શેરડીનું વધુ વાવેતર કરી સહકાર આપવાની બાંહેધરી આપી હતી.