કરજણ તાલુકાના માંત્રોજ ગ્રામ પંચાયત માં છેલ્લા પાંચ વર્ષથી ફરજ બજાવતા તલાટી ક્રમ મંત્રી ગણેશભાઈ પરમારની જિલ્લા ફેર બદલી તેઓના વતન બનાસકાંઠાના વાવ ખાતે થતાં મૂળનિવાસી એકતા મંચ અને માંત્રોજ ગામના આગેવાનો દ્વારા વિદાય સમારોહ યોજાયો હતો. માંત્રોજ ગામ ખાતે રાખવામાં આવેલ વિદાય સમારોહમાં ગામના સરપંચ માજી સરપંચ પ્રવીણભાઈ અને મૂળનિવાસી એકતા મંચના અધ્યક્ષ એડવોકેટ મિનેષ પરમાર સહિતના આગેવાનો એ હાજરી આપી હતી. મૂળનિવાસી એકતા મંચના અધ્યક્ષ એડવોકેટ મિનેષ પરમાર અને બ્રીજેશભાઈ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતુ. સરપંચ અને માજી સરપંચ દ્વારા પણ પુષ્પગુચ્છ આપી તલાટીનું સન્માન કરવામાં આવ્યું હતુ.
ત્યારબાદ મૂળનિવાસી એકતા મંચના અધ્યક્ષ એડવોકેટ મિનેષ પરમાર દ્રારા તલાટી ક્રમમંત્રી ગણેશભાઈ એ પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન પ્રદાન કરેલી સેવાઓ વિશે વિસ્તૃત સુંદર ચિતાર હાજરજનો સમક્ષ રજૂ કર્યો હતો. તેઓનો નિખાલસ અને પ્રેમાળ સ્વભાવ તેમજ ગામના દરેક લોકોને સાથે રાખી તેઓના કાર્યકાળ દરમિયાન પ્રદાન કરેલી સેવાઓને બિરદાવી હતી. પાંચ વર્ષ દરમિયાન ગણેશભાઈ એ ગ્રામ પંચાયતલક્ષી કાર્યો કરી આપીને ખુબ સારી લોક ચાહના મેળવી હોવાનું જણાવ્યું હતું અને પોતાની સાથેની વ્યક્તિગત મિત્રતા સંબધોની પણ વાત કરી હતી. જીવનમાં ખુબ જ પ્રગતિ કરે અને ક્લાસ વન અધિકારી બને એવા આશિષ અને શુભકામના પાઠવી હતી અને અંતમાં તલાટી ક્રમ મંત્રી એ તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં અને સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મગનભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.
યાકુબ પટેલ, કરજણ