સૌજન્ય/વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની એજ્યુકેશન એન્ડ સાયકોલોજી ફેકલ્ટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ થોડા દિવસો અગાઉ ફેકલ્ટી ડીનને એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં ફેકલ્ટીના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને અવારનવાર માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાથી વિદ્યાર્થીઓના પરિણામ પર તેની માંથી અસર પડી શકે અને સારા વિદ્યાર્થીઓ કોર્સ છોડીને જતા રહેશે અથવા તો આત્મહત્યા કરી લે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.
શિક્ષકોના ત્રાસથી વિદ્યાર્થીઓ કોર્સ છોડી દેશે કે આપઘાત કરશે
વડોદરા શહેરની એમ.એસ.યુનિવર્સિટીમાં શિક્ષકોની અછત છે. જ્યારે ફેકલ્ટી ઓફ એજ્યુકેશન એન્ડ સાયકોલોજીના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ સાથે દુર્વ્યવહાર કરવામાં આવતો હોવાના આક્ષેપો એક વિદ્યાર્થીની દ્વારા ડીનને પત્ર લખીને કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીની એ લખેલા પત્રમાં પત્રમાં વર્ગખંડમાં શિક્ષકો પ્રેઝન્ટેશન વખતે અવારનવાર આકરા શબ્દોમાં ટકોર કરતા હોવાનું અને વિદ્યાર્થીઓ મહામહેનતે પ્રેઝન્ટેશન તૈયાર કરીને આવ્યા હોવા છતાં તેને રિજેક્ટ કરતા હોવાનું જણાવ્યું હતું. અને કોઈ કામ હોય ત્યારે શિક્ષકો કલાકો સુધી બેસાડી રાખતા હોવાનું જણાવ્યું હતું. આ સાથે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જો ફેકલ્ટીના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારનું જ ઓરમાયું વર્તન કરવામાં આવશે. તો ભવિષ્યમાં સારું પરફોર્મન્સ આપી શકે તેવા વિદ્યાર્થીઓ કોર્સ છોડીને જતા રહેશે અથવા તો આત્મહત્યા કરવા મજબૂર બનશે.
આ તો લર્નિંગ ક્લ્ચર છે, એને કદાચ માઠું લાગી ગયું હશે એટલે ડીનને ફરિયાદ કરી હશે
ફેકલ્ટીમાં ખુબ ઓછા વિદ્યાર્થીઓ હોવાથી શિક્ષકો દરેક વિદ્યાર્થી પાછળ પૂરતું ધ્યાન આપે છે. પ્રેઝન્ટેશન વખતે જો કોઈ ભૂલ કે ખામી લાગતી હોય તો તેમાં સુધારા વધારા કરવાનું જણાવાય છે. જો કોઈ એક વિદ્યાર્થી શિક્ષક સાથે હોય તો તેને થોડો સમય રાહ જોવી પડતી હોય છે. આ જ અહીંનું લર્નિંગ ક્લચર છે અને કદાચ તે વિદ્યાર્થિનીને માઠું લાગ્યું હશે જેથી તેને ફરિયાદ કરી છે. અમે ત્રણ સિનિયર પ્રોફેસરોની કમિટી બનાવીને તેણીના આક્ષેપોની તપાસ શરુ કરાવી દીધી છે.
-ડૉ આર.સી પટેલ, ડીન