સૌજન્ય/વડોદરા: લોભામણી લાલચ આપીને લાખોની છેતરપિંડીના કેસમાં ભોગ બનેલા વડોદરાના 18 ગ્રાહકોએ સન સ્ટાર ક્લબના સંચાલક અને ક્લબના જોઇન્ટ ડાયરેક્ટર તરીકે જાહેરાત કરનાર સેલિબ્રેટી કપિલ દેવ, ગોવિંદા અને રવિકિશન સામે ગ્રાહક કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. ગ્રાહક ફોરમે સંચાલકોને 18 ગ્રાહકને 9 ટકાના વ્યાજ સાથે રૂા.32.09 લાખ ચૂકવવાનો આદેશ કર્યો હતો. જ્યારે ત્રણે સેલિબ્રેટીને ખોટી જાહેરાત કરવા બદલ 18 ગ્રાહકને રૂા.15-15 હજાર (કુલ રૂા.8,10,000) ચૂકવવાનો આદેશ કર્યો હતો.
કેસની વિગત એવી છે કે, સન સ્ટાર ક્લબના સંચાલક રમણ કપુર અને તેની પત્નિ સીમા કપુરે વર્ષ 2016માં વડોદરાની એક હોટલમાં પ્રમોશનલ ઇવેન્ટનું આયોજન કરી તેમાં લોકોને ફોન કરીને બોલાવ્યાં હતા. આ દંપતિએ જણાવ્યું હતું કે, તેમની ક્લબમાં મેમ્બશિપ લેનાર ગ્રાહકોને વર્ષમાં 30 દિવસ માટે અને 20 વર્ષ સુધી હોટલમાં મફતમાં રહેવાનું તેમજ પ્લેનની ટીકીટ આપવા સહિતની સુવીધાઓ અપાશે તેમ કહ્યું હતું. લાલચમાં લોકોએ માતબર રકમ ચૂકવીને ક્લબની મેમ્બરશિપ લીધી હતી.
લાખોની રકમ મેળવ્યાં બાદ કપુર દંપતિ ફરાર થઇ જતાં આ અંગે પોલીસ ફરિયાદો દાખલ થઇ હતી. બીજી તરફ 18 ગ્રાહકોએ જાગૃત નાગરીક સંસ્થાના પી.વી. મુરજાણી મારફતે ગ્રાહક કોર્ટમાં પણ ફરિયાદ દાખલ કરી હતી. ગ્રાહક કોર્ટે કપુર દંપતિ તેમજ ત્રણે સેલીબ્રેટી સામે નોટીસ કાઢી હતી.ગ્રાહક ફોરમે ફરિયાદી તરફે થયેલી દલીલો, પુરાવા અને દસ્તાવેજી પુરાવાનું અવલોકન કર્યા બાદ ક્લબના ડાયરેક્ટરને 18 ગ્રાહકોને 9 ટકાના વ્યાજ સાથે કુલ રૂા.32,09,621 ચૂકવવા તેમજ તમામ ગ્રાહકને ખર્ચ પેટે રૂા.20-20 હજાર લેખે કુલ રૂા.1,60,000 ચૂકવવાનો આદેશ કર્યો હતો. જ્યારે જોઇન્ટ ડાયરેક્ટર તરીકે ખોટી જાહેરાત કરનાર ક્રિકેટર કપિલ દેવ, ફિલ્મ સ્ટાર ગોવિંદા અને રવિકિશનને 18 ગ્રાકકોને રૂા.15-15 હજાર (કુલ રૂા.8,10,000) ચૂકવવાનો આદેશ કર્યો હતો.
ગ્રાહક કોર્ટના ચૂકાદા સામે અપીલ કરી શકાય
ગ્રાહક કોર્ટ દ્વારા આપવામાં આવતો ચૂકાદો જો માન્ય ન હોય તે ચૂકાદાને સ્ટેટ કમીશનમાં અને સ્ટેટ કમીશનના ચૂકાદાને નેશનલ કમીશનમાં પડકારી શકાય છે. નેશનલ કમીશનના ચૂકાદાને પણ સુપ્રિમ કોર્ટમાં પડકારી શકાય છે. સન સ્ટાર ક્લબ અંગે આવેલા આ ચૂકાદામાં સન સ્ટાર ક્લબના ડાયરેક્ટર અને જોઇન્ટ ડાયરેક્ટ (સેલિબ્રેટી) દ્વારા સ્વિકારવામાં આવે છે કે, પછી તેની સામે ઉચ્ચ અદાલતમાં દાદ માંગવામાં આવે છે તે હવે જોવાનું રહેશે.