વડોદરા શહેરના નાગરિકોને ગુનેગારોની સાથે સાથે હવે પોલીસનો પણ ડર સતાવી રહ્યો છે. જેનું એક ઉત્તમ ઉદાહરણ છે શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા ઘી કાંટા રોડ વિસ્તારમાં બનેલી એક ચોરીની ઘટના.
સમગ્ર મામલે વાત કરવામાં આવે તો જયેશ પંચાલ ઘી કાંટા રોડ પર ઇલેક્ટ્રોનિકની દુકાન ધરાવે છે આજથી લગભગ એક અઠવાડિયા પહેલા જયેશભાઈ પોતાની દુકાનમાં કામ કરી રહ્યા હતા દરમિયાન એક ઈસમ દુકાનમાં આવ્યો અને તેમની નજર ચૂકવી કાઉન્ટર પર પડેલા પાકીટમાંથી હજારો રૂપિયા ચોરી કરી પલાયન થઈ ગયો હતો.
જયેશભાઈ એ કામ પતાવી પોતાનું પાકીટ તપાસતા તેમાંથી પૈસાની ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું જેથી તેમને ખાતરી કરવા દુકાનમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજની ચકાસણી કરી હતી જેમાં એક ઈસમ પાકીટમાંથી પૈસાની ચોરી કરતા કેમેરામાં આબાદ કેદ થઈ ગયો હતો. પોતાની દુકાનમાં ચોરી થયા બાદ તેમને CCTV કેમેરાના ફૂટેજ પુરાવા સ્વરૂપે સાથે રાખી વિસ્તારના કારેલીબાગ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો જ્યાં ફરજ પર હાજર કોઈક સયુરસિંહ નામના પોલીસ જવાને મચ્છીપીઠ વિસ્તારમાંથી એક યુવકને બોલાવી ચોર અંગે ખાતરી કરી ખરાઈ કરી હતી. જેમાં ચોરી કરનાર યુવકની ઓળખ છતી થઈ હતી અને પોલીસે એ યુવકનું નામ સરનામું વગેરે વિગતો પ્રાપ્ત કરી લીધી હતી. પોલીસને ગુનેગાર અંગેના પુરાવા સ્વરૂપે વિડિયો ફૂટેજ આપવા છતાં ગુનેગારને પકડવાના બદલે કારેલીબાગ પોલીસના બહાદુર જવાન દ્વારા ગુનેગારનું ઉપરાણું લઈ ઉપથી ફરિયાદીને આડકતરી રીતે ધમકી આપતા જણાવ્યું હતું કે “જે વ્યક્તિ પૈસા ચોરી ગયો છે એ ખૂબ માથાભારે છે થોડા દિવસ અગાઉ જ પાસામાંથી છૂટીને આવ્યો છે જો તમે તેના વિરુદ્ધ ચોરીની ફરિયાદ આપશો તો ઉપરથી વધારે હેરાન થશોને ચોરાયેલા પૈસા આજદિન સુધી કોઈને પણ મળ્યા નથી તમને પણ નહિ મળે”
કોઈ નાગરિક જ્યારે ગુનેગારનો ભોગ બને ત્યારે તે મદદ અને ન્યાયની અપેક્ષા સાથે પોલીસ પાસે હાથ લંબાવતો હોય છે પરંતુ જો પોલીસ જ ગુનેગારને છાવરી ભોગ બનનારને ધમકાવે તો ??
વડોદરામાં પોલીસ કમિશનર શમશેરસિંગના ચાર્જ લીધા બાદ શહેર પોલીસ જાણે નિષ્ક્રિય અને ગુનેગારો સક્રિય બન્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે જેના કારણે જ શહેરમાં ચોરી, લુંટ, હત્યા, દુષ્કર્મ જેવા બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉપરોક્ત બનાવમાં ભોગ બનનાર નાગરિકે ગુનેગાર વિરૂદ્ધ તમામ પુરાવા આપ્યા, ગુનેગારનું નામ અને સરનામું પણ આપ્યું છતાં છેલ્લા એક અઠવાડિયાથી કારેલીબાગ પોલીસ સ્ટેશનના ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે અને મોડેમોડે ઉપરી અધિકારીના આદેશ બાદ અરજી સ્વરૂપે ફરિયાદ લેવામાં આવી છે ત્યારે શહેર પોલીસની નિષ્ક્રિયતા અને ગુનેગારોને છાવરવાની વૃત્તિના કારણે ગુનેગારોને ગુના આચરવા મોકળુ મેદાન મળી ગયું હોય તેમ લાગી રહ્યું છે.