સૌજન્ય/વડોદરા: મારા જેવાં ફિઝિકલી ચેલેન્જ્ડ લોકોનાં પણ મિત્રો હોય. તેના માટે મારે ક્લબ હાઉસ બનાવવાની ઇચ્છા છે.એક કેફે પણ અમારા માટે હોવું જોઇએ જેથી અમારા મિત્રો બની શકે. સેરેબ્રલ પાલ્સીની બીમારીથી પીડિત યુવતીએ આઇ ટુ કેન ફ્લાય પુસ્તકમાં પોતાની ઇચ્છા વ્યક્ત કરી છે. માત્ર તૂટક ભાષામાં વાત કરી શકતી યુવતીએ પોતાનાં માતા-પિતાની મદદથી પુસ્તક લખ્યું છે જેનું વિમોચન 21મી તારીખે કરવામાં આવશે.
જન્મથી જ સેરેબ્રલ પાલ્સી બીમારીના પગલે કોઇ પણ પ્રકારનું હલનચલન કરી ન શકતી 32 વર્ષીય પલક ભટ્ટે પોતાના પરિવારની મદદથી પુસ્તક લખ્યું છે. પોતાની જાતે હાથ કે પગની કોઇ પણ મૂવમેન્ટ નહિ કરી શકતી પલકે પોતે પણ નોર્મલ લોકોની જેમ જીવન જીવી શકે છે તેવા વિચારો રજૂ કર્યા છે. માતા અવની ભટ્ટ અને પિતા સલીલ ભટ્ટે જણાવ્યું હતું કે જ્યારે પલકનો જન્મ થયો અને અમને એક વર્ષ પછી ખબર પડી કે તેને સેરેબ્રલ પાલ્સીની બીમારી છે. જેના કારણે અમે ખૂબ નિરાશ થયાં હતાં.
જોકે બાદમાં અમને ખબર પડી કે ભગવાને આપણા ઘરે આ છોકરી એટલે આપી છે કે તેને આપણે જ ઉછેરી શકીએ તેમ છીએ. બીમારીના કારણે તેની રાઇટિંગ સ્કિલ ડેવલોપ ના થઇ શકી. જોકે અમે જે વાતો કરતાં તેના આધારે તે અંગ્રેજી,ગુજરાતી,હિન્દી ભાષાની જાણકારી ધરાવે છે અને તે તૂટક ભાષામાં બોલી પણ શકે છે. બે વર્ષ પહેલાં તેણે લખવાનો વિચાર રજૂ કર્યો અને ત્યાંથી પુસ્તક લખવાની શરૂઆત થઇ. તે તેના વિચારો બોલતી અને અમે તે લખતાં હતાં. 90 પાનાના પુસ્તકમાં તેણે ઘણી વાતો કહી છે જેમાં વડોદરા શહેરને સંબોધીને પત્ર પણ લખ્યો છે કે મારા જેવાં લોકોને તકલીફ ના પડે તે માટે બિલ્ડિંગોમાં રેમ્પ અને લિફ્ટની સુવિધા રાખો. બાળકોનાં વાલીઓએ મનમાં હોય તે કરવા દઇને પ્રોત્સાહન આપવું જોઇએ.
તબીબ બની બહેનની બિમારી પર રિસર્ચ કરીશ
હું નાની હતી ત્યારે બહેન મારી સાથે રમતી ના હતી જેથી હું દુ:ખી થતી હતી. પરંતુ જ્યારે હું મોટી થઇ ત્યારે મને ખબર પડી અને મેં મેડિકલમાં જવાનો નિર્ણય કર્યો. મારું એમબીબીએસ પૂર્ણ થઇ ગયું છે અને હવે ન્યુરો સર્જન બની બીમારી પર રિસર્ચ કરવું છે. – ડો.સરગમ ભટ્ટ, પલકની બહેન