વડોદરાના વાઘોડિયા રોડ પર ગોવર્ધન ટાઉનશીપ પાસે રસ્તે રખડતી ગાયે એકટીવા ચાલક વિદ્યાર્થીને અડફેટે લેતાં વિદ્યાર્થીને આંખમાં ગાયનું શિંગડુ વાગતાં ગંભીર ઈજાઓ થવા પામી હતી.
આ બનાવની વિગત એવી છે કે વાઘોડિયા રોડ પર આવેલી ગોવર્ધન ટાઉનશીપમાં રહેતો 18 વર્ષનો હેનીલ પટેલ પોલીટેક્નિકમાં ડિપ્લોમામાં પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. બુધવારે સાંજે તે કામ અર્થે સિટીમાં ગયો હતો. ત્યાંથી 8 વાગ્યાના અરસામાં તે ઘરે આવી રહ્યો હતો તે વખતે ગોર્વધન ટાઉનશીપ પાસે રસ્તે રખડતી ગાય એકાએક દોડી આવી રોડ ડીવાઈડર કુદીને હેનિલ પટેલની એકટીવા સાથે અથડાય હતી. આ દરમિયાન ગાયનું શિંગડું વિદ્યાર્થીના આંખમાં વાગતા તેને ગંભીર ઇજા થઈ હતી. ઈજાગ્રસ્તને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેને સઘન સારવાર માટે અમદાવાદ હાયર સેન્ટર ખાતે રીફર કરવામાં આવ્યો છે. અલબત્ત રસ્તે રખડતાં ગાયોનો ત્રાસ શહેરમાં યથાવત રહેતો હોવાથી નગરવાસીઓમાં ભારે રોષની લાગણી વ્યાપી છે.