વડોદરા કોર્પોરેશન તળાવના શુદ્ધિકરણ પાછળ તકલાદી પ્રોજેક્ટ અને સફાઈ કોન્ટ્રાકટ થકી નાણાંનો વેડફાટ કરી રહ્યું છે. પરંતુ નક્કર આયોજનમાં તંત્ર આજદિન સુધી નિષ્ફળ નિવડયું છે. ત્યારે વધુ એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં આયુર્વેદિક અને જૈવિક ટ્રીટમેન્ટ વડે તળાવનું શુદ્ધિકરણ થશે જેની અસર 24 કલાકમાં વર્તાશે થશે તેવો દાવો સંસ્થા તરફથી થયો હતો. પરંતુ આજે 1 મહિનો અને પાંચ દિવસ થયા હોવા છતાં પરિસ્થિતિ યથાવત જોવા મળી છે અને ટેક્નોક્રેટ મેયરના તકલાધી નિર્ણયના પગલે ઉનાળાની ઋતુ દરમ્યાન જ્યારે કોર્પોરેશનની કચેરીમાં જ પાણીના ધાંધિયા હોય તેવા સમયે સાડા ત્રણ લાખ લિટર પાણીનો વેડફાટ કેટલો વાજબી તે પ્રશ્ન લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે.
વડોદરા શહેરના તળાવો હાલ બાગ-બગીચા સમાન બન્યા છે. કારણ કે મોટા ભાગના તળાવમાં જળકુંભી ઉગી નીકળતા લીલાછમ નજરે ચડી રહ્યા છે. એક સાથે તળાવોમાં ઊગી નીકળતી જળકુંભી પ્રશ્નાર્થ ચિહ્ન સર્જે છે. વડોદરા કોર્પોરેશન દ્વારા મશીન થકી નાણાંનો વેડફાટ યથાવત છે પરંતુ પ્રતિ વર્ષ આ સમસ્યા હવે સર્જાઇ રહી છે. ખાસ કરીને લાલબાગ તળાવમાં થોડા સમય અગાઉ પાણી વરસાદી કાંસમાં ડાયવર્ટ કરવાનું આયોજન કર્યું હતું તે પણ સ્થગિત થયું છે. અવારનવાર નિત નવા આયોજન પાછળ લાખો રૂપિયાનો ધુમાડો થાય છે. તેવામાં વડોદરા કોર્પોરેશને લાલબાગ તળાવને આયુર્વેદિક અને જૈવિક ટ્રીટમેન્ટની પદ્ધતિથી શુદ્ધિકરણનો પ્લાન ઘડ્યો હતો. દસ હજાર લિટર પાણીની ક્ષમતા ધરાવતા ટેન્કરના પાણીમાં સંસ્થાના લીકવિડની એક લીટરની બોટલ નાખવામાં આવી હતી. તળાવમાં વધુ પ્રમાણમાં વનસ્પતિ હોય એક મહિના સુધી દરરોજ એક ટેન્કર આ પ્રકારે પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો. કંપનીએ દાવો કર્યો હતો કે, ગાયના મળમૂત્રમાંથી બનેલ આ લિક્વિડથી એરોબિક બેક્ટેરિયા એક્ટિવ થાય છે. જે જળકુંભી સહિતની વનસ્પતિને મળતો ખોરાક બંધ કરે છે. જેથી તે સૂકાઈને કિનારે આવી જાય છે. તદુપરાંત મચ્છરોનો ત્રાસ દૂર થશે અને 24 કલાકમાં તેની અસર જોવા મળશે તેવુ પણ જણાવી રહ્યા છે.
જોકે, 1 મહિના ઉપર પાંચ દિવસ વિતવા છતાં લાલબાગ તળાવની પરિસ્થિતિ યથાવત જોવા મળતા સવાલો ઉદ્દભવ્યા છે. આજે પણ સ્થળ પર મચ્છરનો ત્રાસ યથાવત છે. તળાવની વનસ્પતિ મજૂરો દ્વારા કિનારે મુકવામાં આવી રહી છે. તળાવના પાણી પંપ મારફતે ખાલી કરવાનો પ્રયાસ થઇ રહ્યા છે. કંપનીએ પોતાના બચાવમાં જણાવ્યું છે કે, આ પદ્ધતિ દરમિયાન સૂર્યપ્રકાશ જરૂરી હોય તે માટે જરૂરી વનસ્પતિ માણસો દ્વારા દૂર કરવામાં આવી છે. જ્યારે બાકીની જે વનસ્પતિ છે તે લિકવિડ દ્વારા સુકાઈને દૂર થઈ જશે. હાલ આ કંપની દ્વારા વિનામૂલ્યે પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જે સફળ થયા બાદ અન્ય તળાવ સંદર્ભે કોર્પોરેશન વિચારણા હાથ ધરશે. પરંતુ હાલ જે પ્રકારે પરિસ્થિતિ જાણવા મળી છે તે જોતા શંકાના વાદળો ઘેરાઈ રહ્યા છે. આ અંગે સામાજિક કાર્યકર્તા અતુલભાઈ ગામેચીએ વાંધો ઉઠાવી પાણીના વેડફાટ અને તંત્રના આયોજન સામે આક્રોશ દર્શાવ્યો હતો. આમ, જો તળાવ સ્વચ્છ ના રહી શકતા હોય તો પ્રતિ વર્ષ તળાવ પાછળ સફાઈ તથા કોન્ટ્રાક્ટના નામે નાણાંનો વેડફાટ કેટલો વાજબી ? તે પ્રશ્ન લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે. અને હાલમાં તળાવમાં કોઈ પણ વેલા સુકાયા નથી તદુપરાંત હાલ લાલબાગ તળાવમાં મશીનો મૂકી ને તળાવની સાફ સફાઈ કરવામાં આવી રહી છે તો પછી ક્યાં કારણોસર લાખો લીટર પાણીનો બગાડ કરવામાં આવ્યો છે.
વડોદરા કોર્પોરેશન દ્વારા જૈવિક ટ્રીટમેન્ટ વડે લાલબાગ તળાવ શુદ્ધિકરણનો પ્રયાસ નિષ્ફળ.
Advertisement