સૌજન્ય/વડોદરા: દશેરાના પર્વ પહેલા વડોદરા શહેરમાં કપડાં ધોવાનો સોડા (કોસ્ટીક સોડા)નો ઉપયોગ કરીને ફાફડા અને જરૂરીયાત કરતા વધુ પ્રમાણમાં કલરનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી જલેબીનું ધૂમ વેચાણ શરૂ થઇ ગયું છે, ત્યારે કોર્પોરેશનની આરોગ્ય ટીમે શહેરીજનોને કોસ્ટીક સોડા વગરના અને વધુ કલર વિનાની જલેબી મળે તે માટે શહેરના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા.
વડોદરામાં ફાફડા-જલેબી વેચતા વેપારીઓ પર આરોગ્ય વિભાગના દરોડા
દશેરાના દિવસે ફાફડા-જલેબી ખાવાની પંરપરા છે. વડોદરા શહેરમાં ઠેર-ઠેર ફરસાણની દુકાનો દ્વારા ફાફડા-જલેબી તૈયાર કરી દેવામાં આવ્યા છે. પ્રસંગોપાત ખાણી-પીણીનો વ્યવસાય કરનારાઓએ પણ માર્ગો ઉપર સ્ટોલ ઉભા કરીને ફાફડા-જલેબી બનાવીને વેચાણ શરૂ કરી દીધું છે. કોર્પોરેશનના આરોગ્ય વિભાગને ફાફડાને ચટાકેદાર બનાવવા માટે વેપારીઓ ફાફડામાં ખાવાનો સોડા નાંખવાને બદલે કોસ્ટીક સોડા (કપડાં ધોવાનો સોડા) નાંખે છે. તેજ રીતે જલેબીમાં પણ 10 કિલો જલેબીમાં 1 ગ્રામ કલર નાંખવાને બદલે વેપારીઓ 1 ગ્રામથી વધુ કલરનો નાંખે છે. તેવી માહિતી મળી હતી. જે માહિતીના આધારે કોર્પોરેશનના આરોગ્ય વિભાગની 6 ટીમોએ આજે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરસાણની દુકાનો તેમજ માર્ગો ઉપર શરૂ થયેલા ફાફડા-જલેબીના સ્ટોલ ઉપર દરોડા પાડી ચેકિંગ હાથ ધર્યું હતું.
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં ફાફડા-જલેબીનું ચેકિંગ કરી રહેલા ફૂડ ઇન્સ્પેક્ટર જીતેન્દ્ર ગોહિલે જણાવ્યું હતું કે, ફાફડાને ચટાકેદાર બનાવવા માટે વેપારીએ કોસ્ટીક સોડાનો ઉપયોગ કર્યો છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવે છે. જોકે, ફાફડા તરાયા બાદ કોસ્ટીક સોડાનું પ્રમાણ જણાઇ આવતું નથી. જેથી ફાફડાના નમૂના લેવામાં આવ્યા છે. અને તે પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવશે. તે જ રીતે જલેબીમાં પણ કલરનું પ્રમાણ કેટલું છે તેની ચકાસણી કરવાની હોય છે. 1 કિલો જલેબીના ખીરામાં 1 ગ્રામથી વધુ કલરનો ઉપયોગ કરવો ગુનો બને છે. જલેબીના પણ નમૂના લેવામાં આવ્યા છે. તેમજ બેસનની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.
તેમણે જણાવ્યું કે, અત્યાર સુધીમાં 20 સ્ટોલ તેમજ 7 જેટલી ફરસાણની દુકાનોમાં તપાસ કરવામાં આવી છે. પરંતુ એકપણ જગ્યાએ અખાદ્ય ફાફડા કે જલેબી મળી આવી નથી. હાલમાં ફાફડા, જલેબી, બેસણના નમૂના લેવામાં આવી રહ્યા છે. તે નમુના પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવશે.