વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મંગળ બજાર ખાતે આવેલ જુલેલાલ મંદિરથી લાલ મંદિર રોડ પર આવેલ અનઅધિકૃત દબાણ મેયર, મ્યુનિસિપલ કમિશનરની ટીમ તેમજ પોલીસ વિભાગે સાથે મળી આ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી.
વડોદરામાં કિશનવાડી બી.એસ.યુ.પી આવાસ યોજના બાદ મેયર કેયુર રોકડિયા એ વધુ એક સરપ્રાઇઝ વિઝિટ હાથ ધરી હતી જ્યાં તેઓએ અનઅધિકૃત દબાણો હટાવવાની કામગીરી કરી હતી. આજે મંગળ બજાર ખાતે ગેરકાયદેસર લારી-ગલ્લા ચલાવતા લોકોમાં ભારે ભાગદોડ મચી ગઇ હતી. આ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. મેયર કેયુર રોકડિયા એ જણાવ્યું હતું કે ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી સતત થતી રહેશે, શહેરમાં સ્વચ્છ અને ખુલ્લા રસ્તાઓ માટે આ કામગીરી અત્યંત જરૂરી છે. આગામી સમયમાં આ વિસ્તારમાં કોર્પોરેશનની ટીમ સતત મોનીટરીંગ કરી કામગીરી કરતી રહેશે. આ કામગીરીમાં પોલીસ વિભાગનો પણ સારો સાથ સહકાર સાંપડ્યો છે તેમજ કમિશનરની અગ્રવાલે જણાવ્યું હતું કે પોલીસ અને કોર્પોરેશનની જોઇન્ટ ટીમ મળીને સતત અનઅધિકૃત દબાણ દૂર કરવાની કામગીરી વડોદરા શહેરમાં હાથ ધરી છે જે કામગીરી અવિરત પણે ચાલુ રહેશે. આગામી સમયમાં આ વિસ્તારમાં કોઇ પણ વ્યક્તિ દ્વારા અનઅધિકૃત દબાણો કરવામાં ન આવે તેની પણ કોર્પોરેશન દ્વારા તકેદારી રાખવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે સમગ્ર રાજ્યમાં દરેક જિલ્લાઓમાં ક્યાંકને ક્યાંક આ પ્રકારના બનાવો બનતા રહે છે ગેરકાયદેસર દબાણો દૂર કરવા એ અત્યંત સરાહનીય કામગીરી છે પરંતુ ઘણી વખત દબાણ હટાવ્યા બાદ પણ લારી-ગલ્લા ચાલકો ફરી પાછા તે જગ્યા પર પહોંચી જતા હોય છે. વડોદરામાં કમિશ્નર તેમજ મેયરે ખાતરી આપી છે કે આ વિસ્તારમાં ફરી પાછા કોઈપણ પ્રકારના દબાણો કરી શકાશે નહીં,આગામી સમયમાં જોવું રહ્યું કે કોર્પોરેશનની ટીમ દબાણ હટાવો ઝુંબેશને કેવી રીતે આગળ ધપાવે છે ? તેમજ આજે ગેરકાયદેસર દબાણો દુર કર્યા છે તે જગ્યા પર ફરી એકવાર દબાણો ના દ્રશ્યો જોવા મળશે કે નહીં ?
વડોદરામાં મંગળ બજાર ખાતે ગેરકાયદેસર દબાણો હટાવાયા.
Advertisement