સૌજન્ય/વડોદરા: નવરાત્રી દરમિયાન ગુજરાતમાં વડોદરાના ગરબા જ નહીં ,ગુજરાતની સૌથી મોટી દુર્ગાપૂજા પણ સૌથી મોટી અહીં જ થાય છે. સોમવારથી શરૂ થયેલી અને 19મી ઓક્ટોબર સુધી ઇસ્ટવેસ્ટ કલ્ચરલ એસોસિયેશન દ્વારા સુભાનપુરા અતિથિગૃહ ખાતે આયોજિત વિવિધ કાર્યક્રમોમાં વડોદરાના 28 હજાર બંગાળી લોકો સહિત અમદાવાદ, રાજકોટ અને પોરબંદર સહિતના વિવિધ શહેરોમાંથી 1.25 લાખ લોકો વડોદરામાં આ કાર્યક્રમોમાં ભાગ લેવા આવશે.
આ 5 દિવસ દરમિયાન દુર્ગામાતાને 75,000 કિલોગ્રામ પરંપરાગત મહાપ્રસાદ વેજિટેબલ ખીચડી ધરાવીને ભક્તોજનોને વહેંચવામાં આવે છે.આ કાર્યક્રમના આયોજનમાં એસોસિયેશન સાથે સંકળાયેલા 200 જેટલા લોકો સંકળાયેલા છે. ગુજરાતી અને બંગાળી કલાકારોને એક સાથે એકમંચ પર નાટક, નૃત્યનાટિકા વગેરે પર્ફોર્મન્સ કરવાની તક મળે છે. બંગાળથી આ દિવસો દરમિયાન 56 કલાકારો આવી રહ્યાં છે. જેમાંથી બંગાળથી આવેલા કલાકારો ગુજરાતી ગરબાને બંગાળી શૈલીથી પ્રસ્તુત કરશે. વડોદરામાં સમા, ઓઅેનજીસી અને કીર્તિમંદિર ખાતે પણ દુર્ગાપૂજાનું આયોજન થાય છે. વડોદરામાં 19મી સદીમાં આવેલા બંગાળના દિવાન રોમેશચંદ્ર દત્ત અને મહર્ષિ અરવિંદ પણ દુર્ગાપૂજા કરાવતા હતા. એ અગાઉ પણ કીર્તિમંદિરના કેમ્પસમાં આવેલા મંદિરમાં દુર્ગાપૂજા થતી હોવાનું જાણવા મળે છે.
ઓએનજીસી, કીર્તિમંદિર અને સમામાં પણ દુર્ગાપૂજા થાય છે
શહેરમાં સુભાનપુરા ઉપરાંત અન્ય ત્રણ મોટા આયોજન દુર્ગાપૂજાના થાય છે. કીર્તિમંદિર ખાતે પાંચ દિવસમાં 10થી 12 હજાર લોકો આવીને પૂજા, હોમ, હવન કરીને મહાપ્રસાદ ખીચડીનો લાભ લે છે. કીર્તિમંદિરમાં ટ્રસ્ટ દ્વારા દુર્ગાપૂજાનું આયોજન 1959થી થાય છે. જ્યારે સમામાં દરરોજના એક હજાર લોકો દુર્ગાપૂજામાં ભાગ લે છે. વડોદરામાં દુર્ગાપૂજાના ચાર મોટા આયોજનોમાં પાંચ દિવસ દરમિયાન રોજના સરેરાશ 40થી 45 હજાર લોકો દુર્ગાપૂજાના કાર્યક્રમોમાં ભાગ લે છે.
દુર્ગાપૂજા અને નવરાત્રીની સરખામણી
બંને પૂજામાં શક્તિના દેવી સ્વરૂપની પૂજા થાય છે. ગુજરાતમાં ગરબા કરીને અને બંગાળી લોકો હોમ,હવન અને યજ્ઞ કરીને આરાધના કરે છે. ઇસ્ટવેસ્ટ કલ્ચરલ એસોસિયેશનના જનરલ સેક્રેટરી વિનય દવેએ જણાવ્યું કે, ‘વડોદરામાં આટલા મોટા સ્તરે આ પૂજાનું આયોજન થઇ શકે છે તેમાં સ્થાનિક લોકોનો અને કોર્પોરેશનનો પણ જબદરસ્ત સહકાર છે. આ દિવસો દરમિયાન વડોદરામાં નોંધપાત્ર કામગીરી કરી હોય તેવી વ્યક્તિઓનું સન્માન પણ કરવામાં આવે છે.’