વડોદરાના ખોડીયાર નગર વિસ્તારમાં એક જાગૃત નાગરિક દ્વારા બાળ અને મહિલા વિકાસ આરોગ્ય મંત્રી મનીષાબેન વકીલ ગુમ થયાના પોસ્ટરો લગાડવામાં આવ્યા છે.
વડોદરાના ખોડીયાર વિસ્તારમાં ખોબલે ખોબલે મત આપીને લોકોએ મનીષાબેન વકીલને વિધાનસભા 141 ના ધારાસભ્ય બનાવ્યા છે પરંતુ ધારાસભ્ય બન્યા બાદ મંત્રીપદ પણ તેઓને આપવામાં આવ્યું છે તેમ છતાં તેઓના વિધાનસભા મત વિસ્તારમાં એક પણ વખત પ્રજા સમક્ષ નફરકતા આખરે પ્રજાજનોએ મનીષાબેન વકીલ ગુમ થયા હોય તેવા પોસ્ટરો લગાવ્યા છે. ખોડીયાર નગર સુવગ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાસે ભારતીય જનતા પાર્ટીનું કમળનું નિશાન અને બાજુમાં જ મનીષાબેન વકીલના ગુમ થયાના પોસ્ટરો ચોંટાડવામાં આવ્યા હોય રોડ, રસ્તા અને પાણીના મુદ્દે આ વિસ્તારની પ્રજા આજે પણ વંચિત છે તેવું આ વિસ્તારના રહેવાસીઓનું કહેવું છે. વડોદરાનો આ વિસ્તાર અત્યંત સ્લમ વિસ્તાર છે અહીંના રહેવાસીઓને પ્રાથમિક સુવિધાઓ ન મળતા તેમજ ધારાસભ્ય બન્યા બાદ ક્યારેય પણ પ્રજા સમક્ષ મનીષાબેન વકીલ ન આવતા અંતે આ વિસ્તારના રહેવાસીઓ મનીષાબેન વકીલથી નારાજ હોય તેવું સ્પષ્ટપણે આ હરકતથી જણાય છે.
અત્રે નોંધનીય છે કે ભારતીય જનતા પાર્ટીના ઘણા ખરા ધારાસભ્યો ચૂંટણી પૂર્ણ થયા બાદ પોતાના વિસ્તારોમાં પ્રજા સમક્ષ એક મુલાકાત લેવા પણ ન જતા હોય આ કિસ્સો તે બાબતની સાક્ષી પુરે છે તેવું આ વિસ્તારના રહેવાસીઓના જણાવ્યા મુજબ લાગી રહ્યું છે. વડોદરાના ખોડીયાર નગર વિસ્તારમાં જે પોસ્ટરો મનીષાબેન વકીલના લાગ્યા છે તેના પરથી સ્પષ્ટ પણે ફલિત થાય છે કે એમ.એલ.એ બન્યા બાદ પણ આ વિસ્તારની એક વખત મુલાકાત પણ લીધી ના હોય આથી સ્થાનિક પ્રજા એ આખરે આ પ્રકારનો રસ્તો અપનાવ્યો હોવાનું જાણવા અહીંના રહેવાસીઓએ જણાવ્યું છે.