વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના રણાપુર ગામે સરકારી જમીનમાં ગેરકાયદેસર બાંધકામ કરેલ હોય તેની તપાસ અર્થે તાલુકા અને જિલ્લા પંચાયત કચેરીમાં, આર.ટી.આઈ સહિત સ્વાગત ઓનલાઈનમાં ગામના એક રહીશ દ્વારા અરજીઓ કરાઈ હતી. જેની તપાસ અર્થે સર્કલ ઓફીસર આવેલા હોય તેની અદાવત રાખી અરજદારને હવા પુરવાના પંપની પાઈપ અને ઈંટોના ટુકડા વડે ગડદાપાટુનો માર મારી અરજદાર અને તેની ગર્ભવતી દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપવા બાબતે ચાર ઈસમો વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવા પામી છે.
ફરિયાદમાં જણાવ્યાનુસાર કરજણ તાલુકાના રણાપુર ગામની બહાર નીકળવાના રસ્તા ઉપર ગામના જયંતીભાઈ મગનભાઈ માછી નાઓએ સરકારી જગ્યામાં મકાનનું બાંધકામ કરેલ હોવાનું ગામના ફરિયાદી અશોકભાઈ જેઠાભાઈ પટેલ જણાવે છે. જે બાબતે ફરિયાદી દ્વારા બાંધકામ ગેરકાયદેસર હોય જેની તપાસ અર્થે એકાદ વર્ષ પહેલાં તાલુકા અને જિલ્લા પંચાયત કચેરીએ અરજીઓ કરવામાં આવી હતી. તેનો કોઈ કાર્યવાહી નહિ થતા ફરિયાદીએ આર.ટી.આઈ. કરી હતી. અને ત્યારબાદ સ્વાગત ઓનલાઈનમાં ફરિયાદ કરાઈ હતી. જેથી તા. 26 ના રોજ થયેલ ગેરકાયદે બાંધકામની અરજીઓ સંદર્ભે તપાસ કાર્યવાહી માટે તાલુકા પંચાયત કચેરીમાંથી સર્કલ ઓફિસર આવ્યા હતા.
પરંતુ તે દિવસે ફરિયાદી બહાર ગામ હતાં. ત્યારબાદ ફરિયાદી અશોકભાઈ પટેલ નાઓ બહાર ગામથી ઘરે પરત આવ્યા બાદ ગામના જુના ઘરે ટ્રેક્ટરના ટાયરમાં હવા પુરવાની તૈયારી કરી રહ્યા હતા. તે દરમિયાન મોટર સાઇકલ ઉપર આવેલા ગામના શૈલેષભાઇ જયંતીભાઈ માછી , અશ્વિનભાઈ માછી તેમજ અન્ય બે ઈસમોએ ફરિયાદી અશોક પટેલને ગમે તેમ ગાળો બોલી તું અવારનવાર બહુ અરજીઓ કરે છે તેમ કહી ગડદાપાટુનો માર મારી હવા પુરવાની પંપની પાઈમ વડે બરડામાં ઝાપટો મારી તેમજ ઈંટના ટુકડા છૂટા મારી છાતીમાં ઇજા પહોંચાડી હતી. તે દરમિયાન ફરિયાદીની પત્ની અને દીકરી છોડાવવા વચ્ચે પડતાં દીકરી ગર્ભવતી હોય તે જાણવા છતાં કોલર પકડી ધકકો મારી જતાં જતાં ફળિયાની બહાર નિકલીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી તારી આર.ટી.આઈ. પુરી કરી દઈશું અને ફરિયાદીને ઘરમાં ગોંધી રાખવા ગામના ચોરે બેસી એકબીજાની મદદગારી કરનાર ગામના હસમુખભાઈ ફકાભાઈ માછી, શૈલેષ , શૈલેષ જયંતીભાઈ માછી અને અશ્વિનભાઈ જયંતીભાઈ માછી નાઓ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહિ હાથ ધરી છે.
યાકુબ પટેલ, કરજણ