વડોદરા નજીક નેશનલ હાઈવે પર જાંબુવા બ્રિજ પાસે આજે સવારે બે બાઇક, બે કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘટનાસ્થળે જ ત્રણ વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નિપજયા છે.
વડોદરા નજીક નેશનલ હાઈવે પસાર થાય છે જ્યાં આજે સવારે જાંબુવા બ્રિજ પર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આજે સવારે ભરૂચનો એક પરિવાર બાઈક પર અમદાવાદ તરફ જવાના રસ્તે નીકળ્યો હતો તે દરમિયાન વડોદરા પાસે આવેલા જાંબુવા બ્રિજ પર ઇકો કાર તથા ટ્રક વચ્ચે અકસ્માત થતા બાઇક સવાર એક દંપતિ તથા એક માસૂમ બાળક ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ આ અકસ્માતમાં મોત નીપજ્યું હતું. કમકમાટીભર્યા અકસ્માતને પગલે હાઇવે પરનો ટ્રાફિક-વ્યવહાર ખોરવાઇ ગયો હતો. પરિણામે, હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઇ હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર માત્ર ૧૫ દિવસમાં જાંબુવા બ્રિજ પર જીવલેણ અકસ્માતની આ બીજી ઘટના બનવા પામી છે જેના કારણે લોકોમાં રોષની લાગણી વ્યાપી ગઇ છે. આ બ્રિજ પાસે અવારનવાર અકસ્માતનો સીલસીલો યથાવત રહ્યો છે તેમ છતાં તંત્ર દ્વારા કોઇ નક્કર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ નથી. તંત્ર હજુ કેટલાક અકસ્માતને રાહ જોઈ રહ્યું છે તેવું આજે સર્જાયેલા અકસ્માત બાદ ફલિત થાય છે. જાંબુવા પર ઘટના બની તે જગ્યાને એક્સીડન્ટ થવા માટે જાણીતી બ્લેક સ્પોટ તરીકે ઓળખવામાં આવી છે. અહીં અત્યંત સાંકડો માર્ગ હોય જેના કારણે અવારનવાર આ પ્રકારના અકસ્માત સર્જાતા રહે છે પરંતુ સત્તાધીશોની નબળી કામગીરીના કારણે અવારનવાર અહીં લોકોની જિંદગીના ભોગ લેવાય છે. નક્કર કામગીરી કરવામાં વામણું પુરવાર થતું તંત્ર સદંતર નિષ્ફળ નિવડયુ છે.