વડોદરા શહેરના માંજલપુર દરબાર ચોકડી પાસે રહેતી 20 વર્ષીય યુવતીની નર્મદા જિલ્લાના તીલકવાડા પોલીસ મથકની હદમાં એક ખેતરમાંથી હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવતા સનસનાટી મચી ગઇ છે. તાજેતરમાં ધોરણ 12 ની પરિક્ષા આપનાર યુવતીની હત્યા કેવી રીતે કરવામાં આવી છે. તે અંગેની માહિતી મેળવવા માટે વડોદરા સયાજી હોસ્પિટલમાં પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ યુવતીની હત્યા પ્રેમ પ્રકરણમા કરવામાં આવી હોવાનું મનાય છે.
આ બનાવ અંગે મળેલી માહિતી પ્રમાણે વડોદરાના માંજલપુર વિસ્તારમાં દરબાર ચોકડી પાસે બળીયાદેવ મંદિર સામે આવેલા ખેતરમાં માતા-પિતા સાથે રહેતી મીરાં નિલેશભાઈ સોલંકી બે દિવસ પહેલા ઘરેથી નીકળી ગઈ હતી. દરમિયાન મોડી રાત સુધી પરત ન ફરતા પિતા નિલેશભાઈ સોલંકીએ માંજલપુર પોલીસ મથકમાં મીરા ગુમ થઈ ગયાની અરજી આપી હતી. બીજી બાજુ નર્મદા જિલ્લાના તિલકવાડા પોલીસ મથકની હદમાં આવેલ ખેતરમાંથી મીરાની લાશ મળી આવતા તિલકવાડા પોલીસે લાશની ઓળખ કરવા માટે તપાસ હાથ ધરી હતી.
બીજી બાજુ સોશિયલ મીડિયા પર ફરતા થયેલા મીરાની લાશના ફોટા પરિવારજનો અને માંજલપુર વિસ્તારના પૂર્વ કોંગ્રેસના કાઉન્સિલર ચિરાગ ઝવેરીને જોવા મળતા તેઓ તિલકવાડા ખાતે દોડી ગયા હતા અને લાશની ઓળખ કરી હતી. લાશની ઓળખ થયા બાદ તેના પોસ્ટમોર્ટમ માટે તિલકવાડા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જોકે તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે સુવિધા યોગ્ય ન હોવાના કારણે અને પેનલ ડોક્ટર દ્વારા પોષ્ટમોર્ટમ કરવાનું હોવાથી મીરાનો મૃતદેહ વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. જોકે તિલકવાડા પોલીસે અજાણ્યા હત્યારાઓ સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં મીરાની હત્યા ગળું દબાવીને તેમજ ડામ આપીને કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. જોકે, પોસમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મીરાની હત્યા કેવી રીતે કરવામાં આવી છે. તે ચોક્કસ કારણ બહાર આવશે. ખેડૂત દીકરી મીરાની હત્યાના બનાવે માજલપુર વિસ્તારમાં સનસનાટી મચાવી મુકી છે. નોધનિય છે કે, થોડા દિવસ પહેલા એક તરફી પ્રેમમાં પાગલ યુવાને વડોદરા નજીક ક્રૂર હત્યા કરી હતી. આ બનાવ હજુ લોકોના માનસ ઉપરથી દૂર થયો નથી. ત્યાં વધુ એક યુવતી પ્રેમપ્રકરણનો ભોગ બની છે.
આ સનસનીખેજ બનાવ અંગે માંજલપુર વિસ્તારના કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર ચિરાગ ઝવેરીએ જણાવ્યું હતું કે મીરા સોલંકી પરિવારની એકની એક દીકરી હતી. તેને તાજેતરમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 12 ની પરીક્ષા આપી હતી. બે દિવસ પહેલા તે ઘરેથી નીકળી ગઈ હતી. આથી પરિવારજનો દ્વારા માંજલપુર પોલીસ મથકમાં ગુમ દીકરી ગૂમ થયાની અરજી પણ આપવામાં આવી હતી. બીજી બાજુ મીરાએ તેની પિતરાઈ બેનને વોટસએપ પર મેસેજ કરીને જણાવ્યું હતું કે હું સંદિપ સાથે છું. ચિંતા કરશો નહીં. હું રવિવારે સાંજ સુધીમાં ઘરે આવી જઇશ. કોંગ્રેસના પૂરવ કાઉન્સિલરે જણાવ્યું હતું કે મીરા સોલંકીની પ્રેમ પ્રકરણમાં હત્યા કરવામાં આવી હોવાનું લાગી રહ્યું છે. અને મીરા સંદીપ મકવાણા નામના જુના પાદરા રોડ ઉપર રહેતા યુવાન સાથે ગઈ હતી. હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. મીરાની હત્યા કરનાર આરોપીની પોલીસ દ્વારા વહેલી તકે ધરપકડ કરવામાં આવે ને તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી છે.
મળેલી માહિતી મુજબ તિલકવાડા પોલીસ દ્વારા વડોદરાની મીરા સોલંકીની હત્યાનો ભેદ ઉકેલવા માટે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ દ્વારા મીરા પાસેનો મોબાઇલ ફોન મળ્યો ન હોઇ પોલીસે ગુમ થયેલા ફોનની પણ તપાસ શરૂ કરી છે. આ સાથે વડોદરા માજલપુર પોલીસ દ્વારા પણ મીરા સોલંકી હત્યા કેસની તપાસ શરૂ કરવામાં આવી છે.