ભરૂચ તાલુકાના ઝનોર ગામે લગ્ન પ્રસંગમાં એક્ટિવા લઈ જઈ રહેલા માલસર ગામના માછી સમાજના યુવાનને કરજણ તાલુકાના લીલોડ ગામ નજીક એક ડમ્પર ચાલકે પાછળથી અથાડી અકસ્માત કરતાં માથામાં જીવલેણ ઈજાઓ થતાં સ્થળ પર જ કરૂણ મોત નીપજ્યું હતું. ડમ્પરના પાપે ત્રણ વર્ષ અને પાંચ વર્ષના નાના ભૂલકાઓએ પિતાની છત્રછાયા ગુમાવતાં સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી છે.
મળતી માહિતી અનુસાર શિનોર તાલુકાના માલસર ગામે માછી ફળિયામાં રહેતાં રાજુભાઈ અરવિંદભાઈ માછીનાઓ પોતાની એક્ટિવા લઈને માલસરથી ઝનોર તા. ભરૂચ ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગઇકાલે સવારમાં અગિયારેક વાગે નીકળ્યો હતો તે દરમિયાન કરજણ તાલુકાના લીલોડ ગામ નજીક હનુમાનજી મંદિર તરફ જવાના રસ્તા નજીકથી પસાર થતી વખતે પુરઝડપે બેફામ આવી રહેલા ડમ્પર નં. GJ-06-BT-8980 ના ચાલકે રાજુભાઈની એક્ટિવાને પાછળથી જોરદાર ટક્કર મારી અડફેટમાં લીધા હતાં. પરિણામે રાજુભાઈ રોડ ઉપર પટકાતા માથામાં અને શરીરે જીવલેણ ગંભીર ઈજાઓ થતાં પ્રાથમિક સારવાર મળે તે પહેલાં જ પોતાનો દમ તોડ્યો હતો. પોલીસે ડમ્પર સહિત તેના ચાલકને ઝડપી પાડી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે મરણ જનાર રાજુભાઈ અરવિંદભાઈ માછી ઉ.વ.40 ની લાશને પી.એમ. અર્થે કરજણ સરકારી દવાખાને ખસેડવામાં આવી હોવાનું સૂત્રો જણાવે છે. સદર દર્દનાક ઘટનાને પગલે એક ત્રણ વર્ષના પુત્ર અને પાંચ વર્ષની પુત્રીએ પોતાના પિતા ગુમાવતાં પરિવાર સહિત સમગ્ર પંથકમાં ભારે ગમગીની ફેલાઈ છે. જ્યારે આવા મોતના સામાન સમાન કોઈના જીવની પરવા કર્યા વિના બિનદાસ્ત દોડતાં ડમ્પરો-ટ્રકો વિરુદ્ધ જનતામાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો છે.
યાકુબ પટેલ, કરજણ