શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા આજે અહીંના સરદાર બાગ અતિથિગૃહ ખાતે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોનું સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં લાભાર્થીઓને ઇ-શ્રમ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સંમેલનમાં ઉપસ્થિત મેયર કેયુરભાઇ રોકડિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ છેવડાના માનવીના વિકાસની સતત ચિંતા કરી રહ્યા છે. જ્યાં સુધી છેવાડાના માનવીનો વિકાસ નહીં થાય ત્યાં સુધી ભારત શ્રેષ્ઠ, સમૃદ્ધ નહીં બની શકે. એથી સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોના હિતોની ચિંતા કરી રહી છે. આ પાયાનું કામ સરકારે અભિયાન સ્વરૂપે ઉપાડ્યું છે.
ઇ-શ્રમ કાર્ડના લાભોની વિગતો આપતા રોકડિયાએ કહ્યું કે, કોઇ પણ કડાકુટ વિના આ કાર્ડ કઢાવી શકાય છે અને તે કાર્ડધારકને રૂ. ૨ લાખનું વીમા કવચ મળે છે. આંશિક અપંગતાના કિસ્સામાં રૂ. ૧ લાખની સહાય આપવામાં આવે છે. એટલે અસંગઠિત ક્ષેત્રના તમામ શ્રમિકોએ અચૂક આ કાર્ડ કઢાવી લેવું જોઇએ. તેવી તેમણે અંતે અપીલ કરી હતી. આ વેળાએ કલેક્ટર અતુલ ગોર સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.