વડોદરા શહેરના શિયાબાગ સ્થિત કોર્પોરેશન સંચાલિત જન્મ-મરણ વિભાગમાં એક અધિકારી વિદેશના પ્રવાસે હોવાથી અન્ય નીચેના અધિકારીને બેવડો ચાર્જ આપ્યો હોવાથી જન્મ-મરણ અને મેરેજ રજિસ્ટ્રેશન માટે આવનારા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના જન્મ મરણ અને મેરેજ રજીસ્ટ્રેશનના વિભાગમાં એક અધિકારી વિદેશ ગયા હોવાથી તેમનો ચાર્જ તેમના નીચેના કર્મચારીને આપ્યો છે. તેઓને આરોગ્ય વિભાગ દ્વારા ફાઇલેરિયા શાખા અને જન્મ-મરણ શાખામાં બે જગ્યાએ ફરજ બજાવવા જણાવવામાં આવ્યું છે. જેથી તેઓ અડધો દિવસ માર્કેટ ખાતે અને અડધો દિવસ જન્મ-મરણ શાખા ખાતે ફરજ બજાવી રહ્યા છે.
જન્મ-મરણ વિભાગ અને મેરેજ રજિસ્ટ્રેશન વિભામાં આખા દિવસ માટે એક અધિકારી મૂકવો જોઈએ. બહારગામથી આવતા લોકો જન્મ કે મરણના દાખલા માટે અર્જન્ટ સર્ટિફિકેટ માટે માંગ કરે છે પરંતુ તાત્કાલીક તેઓને સર્ટીફીકેટ મળી જવું જોઈએ તે મળતું નથી. જેથી જન્મ-મરણ વિભાગમાં લાંબી કતારો લાગી રહી છે. અને કામનો ઉકેલ પણ ઝડપથી આવતું નથી લોકોને ધરમ ધક્કા ખાવા પડે છે.