આમોદ તાલુકાના અનોર ગામે માતાજીનો જવારા પ્રસંગ પતાવી પ્રવિણસિંહ મોહનસિંહ ઝાલા રહે. ગણેશનગર, અમરોલી- સુરત નાઓ તેમની પત્ની કપિલાબેન અને પુત્રી હેતલ સાથે મોટર સાઈકલ ઉપર પોતાની સાસરી ભાલોદ ગામે જઈ રહ્યા હતા. ત્યારે પાલેજ – નારેશ્વર માર્ગ પર આવેલા સાંસરોદ ગામ નજીક નારેશ્વર ચોકડી પાસે પુરઝડપે આવી રહેલા એક ડમ્પરે તેમની મોટરસાઈકલની ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જાયો હતો.
સર્જાયેલા અકસ્માતમાં બાઈક પર સવાર પત્ની કપિલાબેન પ્રવિણસિંહના માથા ઉપર ડમ્પરનું વહીલ ફરી વળતાં ઘટના સ્થળે તેણીનું કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે 21 વર્ષીય પુત્રીને શરીરે ઈજા થતાં 108 ની મદદથી પાલેજ સરકારી દવાખાને ખસેડવામાં આવી હતી. જ્યારે પ્રવિણસિંહ ઝાલાનો આબાદ બચાવ થયો હતો. કરજણ પોલીસે ફરાર ડમ્પર GJ-16-AV-9049 ના ચાલક વિરુદ્ધ અકસ્માત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતને પગલે લોક ટોળાં ઉમટી પડયા હતા અને ભુમાફિયાઓ તેમજ બેફામ દોડતા ડમ્પરો સામે રોષે ભરાયાં હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે કરજણ તાલુકાના માલોદ ગામે દોઢેક માસ અગાઉ એક ડમ્પરની અડફેટે સર્જાયેલા ગોજારા અકસ્માતમાં ત્રણ ઇસમોના ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યાની શાહી હજુ સુકાઈ નથી. ત્યાં ફરી ડમ્પરની અડફેટે એક મહિલાનું મોત થતાં રોડ ઉપર બેફામ દોડતાં ડમ્પરોના ત્રાસથી જનતા ત્રાહિમામ પોકારી ઊઠી છે. જે તે સમયે ઉપરોક્ત બનાવને પગલે ક્રોધે ભરાયેલા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા ભુમાફિયાઓ વિરુદ્ધ લાલ આંખ કરતાં અને તંત્રને આડે હાથ લેતા થોડા સમય માટે ઓવરલોડિંગ રેતી ભરેલા ડમ્પરો વાહનોની અવરજવર પર બ્રેક લાગતાં થોડા સમય માટે લોકોએ હાશકારો અનુભવ્યો હતો. પરંતુ જવાબદાર તંત્રની ઢીલી કાર્યવાહી અને ભુમાફિયાઓના મની અને મસલ્સ પાવરના જોરે રોડ ઉપર અન્ય નાના વાહનો- મુસાફરોની પરવા કર્યા વિના માતેલા સાંઢની જેમ ફરી ડમ્પરો દોડતા થતા તાલુકાની મુસાફર જનતા લાચાર બનવા પામી છે. શું રેતી વહન કરી માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પર ચાલકો પર કોઈ રાજકીય નેતાની મીઠી રહેમ નજર છે ? તેવી પણ સ્ફોટક ચર્ચાઓ લોકમુખે થઈ રહી છે.
યાકુબ પટેલ, કરજણ