સૌજન્ય-વડોદરા: શહેરના નવલખી મેદાનમાં વડોદરા કલાનગરી ગરબા મહોત્સવમાં ગરબા રમવા માટે ગયેલા અનેક ખેલૈયાઓના ટુ-વ્હીલર્સની ડીકી તોડી ચોરીની ઘટના સામે આવી છે. નવલખી મેદાનમાં પે-એન્ડ પાર્કમાં પાર્કિંગ કરેલા ટુ-વ્હીલરમાં મુકેલા રૂપિયા 3500 રોકડ ગુમાવનાર એક યુવાન સહિત 15 ખેલૈયાઓએ ફરિયાદ નોંધાવી છે.
કલાનગરી ગરબા મહોત્સવમાં 15 ખેલૈયાઓના ટુ-વ્હીલરમાંથી થઇ ચોરી
પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા શહેરમાં રહેતો હિરલ પંચાલ નવલખી મેદાનમાં આયોજીત વડોદરા કલાનગરી ગરબા મહોત્સવમાં રૂપિયા ખર્ચી પાસ મેળવીને તેના ગૃપ સાથે ગરબા રમવા માટે ગયો હતો. તેને પોતાનું ટુ-વ્હીલર મેદાનમાં ગરબાના આયોજકો દ્વારા વ્યવસ્થા કરેલ પે-એન્ડ પાર્કમાં પાર્કિંગ કર્યું હતું. રાત્રે ગરબા રમીને તે ઘરે જવા માટે ટુ-વ્હીલર લેવા માટે ગયો ત્યારે તેના વ્હીકલની ડીકી તૂટેલી જોતા ચોંકી ઉઠ્યો હતો.
હિરેલ પંચાલે તુરંત જ પે-એન્ડ પાર્કના સિક્યુરીટી જવાનને પોતાના વ્હિકલની ડિકી કોઇ વ્યક્તિ તોડીને ડિકીમાં પર્સમાં મૂકેલા રૂપિયા 3500 ચોરી કરી ગયાની ફરિયાદ કરી હતી. સિક્યુરીટીએ તેના બચાવમાં જણાવ્યું કે, અમારી જવાબદારી વ્હિકલ વ્યવસ્થિત પાર્ક કરવાની અને વ્હિકલ ચોરી ન થાય તે જોવાની છે. ડીકીમાંથી ચોરી થાય તેની જવાબદારી અમારી નથી. સિક્યુરીટીના જવાબ બાદ હિરલ પંચાલ રાવપુરા પોલીસ મથકમાં પહોંચી ગયો હતો. અને ડીકી કોઇ તોડીને રૂપિયા 3500 ચોરી ગયાની ફરિયાદ નોંધાવી હતી. રાવપુરા પોલીસે નવલખી મેદાનમાં પાર્ક કરેલા ટુવ્લિલરમાં મુકેલ રોકડ સહિત અન્ય મુદ્દામાલ ગુમાવનાર અન્ય 14 ખેલાયાઓની અરજીઓ લઇ તપાસ હાથ ધરી છે.
નવલખી મેદાનમાં ભાજપા પ્રેરિત મનાતા વડોદરા કલાનગરી ગરબા મહોત્સવમાં નવરાત્રીના પ્રારંભથી જ ખેલૈયાઓ અને આયોજકો વચ્ચે બબાલો શરૂ થઇ હતી. નવરાત્રિ મહોત્સવના પ્રથમ દિવસે કેટલાંક યુવાનોએ પાસ માટે ફી ચૂકવી હતી. છતાં તેઓને પાસ ન મળતા હોબાળો મચાવી મુક્યો હતો. પ્રથમ દિવસે તો ઠીક બીજા દિવસે પણ અનેક લોકોને ગરબા રમવાના પાસ ન મળતા યુવાનોએ આયોજકોના આયોજન સામે રોષ ઠાલવ્યો હતો. પાસની બબાલ પુરી થઇ નથી. ત્યાં ગુરૂવારે રાત્રે ગરબા રમવા માટે ગયેલા હિરલ પંચાલ અને નવાપુરા વિસ્તારમાં રહેતી દર્શિકા મિસ્ત્રી સહિત 15 ખેલૈયાઓએ પાર્કિંગમાં મૂકેલ ટુ-વ્હીલરની ડીકી તોડીને મોબાઇલ ફોન, રોકડ સહિતની ચોરી થતાં ખેલૈયાઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.
ખેલૈયાઓએ આયોજકોની વ્યવસ્થા સામે પણ સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે, પૈસા ખર્ચીને ગરબા રમવા માટે આવીએ છે. તેમજ પાર્કિંગ પણ પૈસા આપીને કરીએ છતાં, અમારા વ્હીકલની કોઇ સેફ્ટી નથી. આયોજકો ખેલૈયાઓને સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ પુરવાર થયા છે..