સમગ્ર ગુજરાત રાજ્યમાં સરકારી તબીબોની હડતાળનો આજે પાંચમો દિવસ છે જ્યાં સુધી તેમની માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી વિરોધ યથાવત રાખવામાં આવશે તેવો વડોદરાના સરકારી તબીબોએ જણાવ્યું છે.
વડોદરાના એસ.એસ.જી હોસ્પિટલ, ગોત્રી હોસ્પિટલ સહિતના સરકારી તબીબો એ પોતાની પડતર માંગણીઓને લઇને વિરોધ યથાવત રાખ્યો છે. આજે સતત પાંચમા દિવસે સરકારી તબીબોએ ગાયત્રી હવન કરી માં ગાયત્રી સરકારને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના સાથે પોતાનો વિરોધ યથાવત રાખ્યો છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એસ.એસ.જી હોસ્પિટલ છે જેના તબીબોએ હાલના સંજોગોમાં હડતાળ રાખી હોવાથી દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
આ તકે તબીબો જણાવે છે કે જ્યાં સુધી સરકાર અમારી પડતર માંગણીઓનો સ્વીકાર નહીં કરે ત્યાં સુધી હડતાળ અનિશ્ચિતકાળ સુધી ચાલુ રહેશે. આ હડતાળને કારણે ઇમરજન્સી સેવાઓ પણ ખોરવાઈ ગયેલી હાલતમાં છે ત્યારે દર્દીઓને સિનિયર ડોક્ટર ન હોવાથી તબીબી સહાય મેળવવામાં અત્યંત મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અત્રે નોંધનીય છે કે મધ્યમ વર્ગીય પરિવારો સરકારી દવાખાનાનો સહારો લેતા હોય છે તેવા સંજોગોમાં હાલના સમયે મોંઘવારીએ માઝા મૂકી છે, આથી જો સરકારી ડોક્ટર હડતાળ પર ઉતરી જાય તો ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો આખરે મોંઘીદાટ દવાઓ લેવા માટે ખાનગી હોસ્પિટલમાં જઈ શકતા નથી. બીજી તરફ સરકાર દ્વારા સરકારી ધારાધોરણો હેઠળ નોકરી કરતાં તબીબોની માંગણીઓ ન સંતોષાતા તબીબો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે આથી સંજોગો વસાત સામાન્ય પરિવારની વ્યક્તિને કોઈપણ પ્રકારની બીમારી કે ઇમરજન્સી સેવા મેળવવામાં ભારે અગવડતા વેઠવી પડે છે.