એમ.એસ.યુનિવર્સિટીમાં ફેબ્રુઆરીમાં પદવીદાન સમારંભ યોજાયા બાદ 15 હજાર વિદ્યાર્થીને ડિગ્રી સર્ટિફિકેટ આપવામાં વિલંબ થઇ રહ્યો છે. જેના પગલે વિદેશ જવા માગતા 2 હજાર વિદ્યાર્થીઓ અટવાઇ ગયા છે. ડિગ્રી સર્ટિફીકેટ માટે ટેન્ડરમાં એક જ પાર્ટી આવી હતી. જોકે નિયમ પ્રમાણે એકથી વધારે પાર્ટી ને બોલાવવા રિ-ટેન્ડરીંગ કરવામાં આવ્યું હતું, જેથી આ પ્રક્રિયામાં સમય બગડયો હતો.
કોરોનાકાળ બાદ શિક્ષણ થાળે પડી રહ્યું છે પરંતુ યુનિ.માં મિસ મેનેજમેન્ટને પગલે વિદ્યાર્થીઓને શોષવાનો વારો આવ્યો છે. યુનિવર્સિટીમાં સત્તાધીશોએ તકેદારી નહીં રાખતાં રિ-ટેન્ડરિંગ સાથે ડિગ્રીના વેરિફિકેશનમાં સમય વેડફાયો. હજી 15 દિવસનો સમય લાગશે યુનિવર્સિટીમાં ચાલુ વર્ષે 5 ફેબ્રુઆરીના રોજ 70 મો પદવીદાન સમારંભ યોજી 15019 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. જોકે વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટીફીકેટ એપ્રિલ મહિનો આવી ગયો હોવા છતાં પણ મળી શકયા નથી. વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટીફેકટ નહિ મળી શકવાના કારણે વધુ અભ્યાસ માટેનો પ્રવેશ તથા એમેરીકાના એચ 1 વિઝા જેવી પ્રોસેસ અટકી ગઇ છે. અંદાજીત 2 હજાર વિદ્યાર્થીઓ કે જેમને વિદેશ જવું છે તે ડિગ્રી સર્ટિફીકેટ નહિ મળી શકવાના કારણે એપ્રિલ ફૂલ બન્યા હોય તેમ અટવાઇ ગયા છે.
વિદ્યાર્થીઓને સમયસર ડિગ્રી સર્ટિફીકેટ નહિ મળવાના પગલે માત્ર વિદેશ જનારા વિદ્યાર્થીઓ જ નહિ પરંતુ ગુજરાતમાં તથા અન્ય રાજયમાં ઉચ્ચ અભ્યાસ માટે જે વિદ્યાર્થીઓએ અરજી કરી છે તેમની પાસે પણ સર્ટિ મંગાઇ રહ્યું છે. જે નોકરીએ લાગેલા વિદ્યાર્થી પાસે કંપની ઉઘરાણી કરે છે.
પરંતુ વિદ્યાર્થીના ભવિષ્યની કોઈ ચિંતા જ નથી તેવું લાગી રહ્યું છે સર્ટીફીકેટ અંગે સત્તાધીશોને પૂછતા સત્તાધીશોએ આ મામલે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો.