વડોદરા: શહેરમાં પ્રથમ વખત રાવણ દહનનો કાર્યક્રમ દશેરાના દિવસે નહી પરંતું તેના બીજા દિવસે 19 ઓક્ટોબર,શુક્રવારના રોજ યોજાશે.દશેરાના દિવસે પોલો ગ્રાઉન્ડ ખાતે રાવણ દહનનો કાર્યક્રમ યોજતા ઉત્તર ભારત સાંસ્કૃતિક સંઘ દ્વારા આ નિર્ણય લેવાયો છે.
સંસ્થાના પ્રમુખ પ્રવિણભાઈ ગુપ્તાએ જણાવ્યું કે, નવરાત્રીમાં દશેરાના દિવસે જ નોમ તિથી આવે છે. જેથી દશેરાના દિવસે ગરબા ચાલુ રહેશે. દશેરાના દિવસે જો રાવણ દહનનો કાર્યક્રમ યોજાય,તો રાતે 9:30 વાગે લોકો રાવણ દહન જોઈ પરત ઘરે જતા હશે.જ્યારે આ જ સમયે ખેલૈયાઓ ગરબા રમવા ઘરેથી નિકળશે. જેથી મોટી સંખ્યામાં લોકોની ભીડ રસ્તાઓ પર ભેગી થશે જેનાથી ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાશે. જેથી 18 ઓક્ટોબર,દશેરાના દિવસે રાવણ દહનનો કાર્યક્રમ પડતો મુકાયો છે. જ્યારે પંચાગમાં પણ 19 ઓક્ટોબરના રોજ રાવણ દહનનો યોગ બને છે. બીજી તરફ ઉત્તર ભારતમાં નવરાત્રીના નવ દિવસ રામલીલા ચાલતી હોય છે.જેથી ઉત્તર ભારતમાં પણ 19 ઓક્ટોબરના રોજ રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે.
ઉત્તર ભારત સાંસ્કૃતિક સંઘ (એન આઈસીએ)ના પ્રમુખ પ્રવિણભાઈ ગુપ્તાએ જણાવ્યું કે, પોલો ગ્રાઉન્ડ ખાતે 19 ઓક્ટોબર,શુક્રવારના રોજ સાંજે 6 વાગ્યાથી રામલીલાની શરૂઆત થશે,જ્યારે રાતે 8:30 વાગ્યાની આસપાસ રાવણનું દહન થશે. ચાલુ વર્ષે આગ્રાથી આવેલા સરાફત અલી અને તેમના 17 કલાકારો દ્વારા 50 ફુટનો રાવણ અને 45 ફુટના કુંભકરણ અને મેઘનાથના પુતળા બનાવવામાં આવ્યાં છે. આ પુતળામાં વાંસ, લાકડાના નાના ટુકડા, કાગળ,ન્યુઝપેપર,લય,કાપડ અને પુતળાના મેકઅપ માટે રંગીન કાગડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં 100 કિલો જેટલો કાગળ અને 60 કિલો જેટલા કપડાનો ઉપયોગ ત્રણેય પુતળા બનાવવામાં થયો છે. જ્યારે હાલ આ પુતળા મકરપુરા જીઆઈડીસીમાં રાખવામાં આવ્યાં છે.
3 પુતળામાં 50 થી 60 હજારના વિવિધ ફટાકડાનો ઉપયોગ
રાવણ, કુંભકરણ અને મેઘનાથના પુતળામાં 50 થી 60 હજારના વિવિધ ફટાકડાનો ઉપયોગ થશે.જ્યારે સુરક્ષાના ભાગરૂપે આ ફટાકડા ગ્રાઉન્ડ પર પુતળા લઈ જવાય ત્યારે જ નાખવામાં આવે છે. ચાલુ વર્ષે વરસાદની સંભાવના હજી સુધી નથી,પરંતું પાછલા વર્ષે વરસાદ હોવાથી ત્રણેય પુતળાને પ્લાસ્ટીક પહેરાવવામાં આવ્યું હતું. – પ્રવિણ ગુપ્તા, પ્રમુખ, ઉત્તર ભારત સાંસ્કૃતિક સંઘ
જીએસટી ઇફેક્ટ : ગત વર્ષ કરતાં 5 ફૂટ ઊંચાઇ ઘટી
રાવણની ઊંચાઇ આ વર્ષે 5 ફૂટ ઓછી રાખવામાં આવી છે. એટલે કે ગત વર્ષ કરતાં આ રાવણ 5 ફૂટ ઓછો હશે. ગત વર્ષે જીએસટીને લીધે રાવણ બનાવવાના ખર્ચમાં 20 ટકા જેટલો જંગી વધારો થયો હતો. આ કારણસર તેની ઊંચાઇમાં 10 ટકા જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે. નિકાના પ્રમુખ પ્રવીણ ગુપ્તાએ આ વિશે વધુમાં જણાવ્યું કે, છેલ્લા 38 વર્ષથી એક જ પરિવાર આ પૂતળું તૈયાર કરે છે. પ્રથમ પૂતળું તૈયાર કર્યું ત્યારે ઊંચાઇ 20 ફૂટ હતી.સૌજન્ય