કરજણ તાલુકાના દેથાણ ગામે સ્મૃતિ સ્મારક ધામ ખાતે નિરાંત પંથની મૂળ ગાદી ઉર્ફે નિરાંત વચન હરજી ગુરૂ જ્ઞાન ગાદી- દેથાણના સ્વ. આચાર્ય રતુરામજીનો “પ્રથમ નિર્વાણદિન મંગળ મહોત્સવ” અને “શ્રી રતુરામ યુવા સુધારક સેવા સંઘ” ની સ્થાપના કાર્યક્રમ તા. 30 ના રોજ હજારો શ્રદ્ધાળુ ભક્તોની હાજરીમાં ભક્તિભાવપૂર્વક ઉજવાનાર છે. આ પ્રસંગની ઉજવણી માટે છેલ્લા કેટલાય દિવસથી તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
કરજણ તાલુકાના દેથાણ ગામે રહેતાં અને નિરાંત પંથની મૂળ ગાદી ઉર્ફે નિરાંત વચન હરજી ગુરૂ જ્ઞાન ગાદી – દેથાણના આચાર્ય રતુરામજી સંવત – 2077 ના ફાગણ વદ – 13 ને શુક્રવાર તા.9/4/2021 ના રોજ નિર્વાણ પદને પામ્યા હતાં. આ નિર્વાણ પદની પ્રાપ્તિને તા. 30 ના રોજ એક વર્ષ પૂર્ણ થનાર હોય તેમનો પ્રથમ નિર્વાણદિન મંગળ મહોત્સવ ઉજવણી અને તેમની પ્રતિમા અનાવરણનો કાર્યક્રમ તેમના પરિવાર અને અન્ય ભક્તદાતાઓના સહયોગથી દેથાણ ગામે તેમના સ્મૃતિમાં બનાવેલ સ્મૃતિ સ્મારક ધામ ખાતે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત “શ્રી રતુરામ યુવા સુધારક સેવા સંઘ” ના નામથી વ્યસન મુક્તિ અભિયાનની પણ શરૂઆત કરવામાં આવનાર છે. આ મહામુલા અવસરે આવનાર તા. 30 ના રોજ નામી-અનામી ભક્તોની હાજરીમાં અનેક ધાર્મિક , સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ગુરૂપુંજા, ભજનાનંદ, સ્વ. આચાર્ય રતુરામજીની પ્રતિમા અનાવરણ , હાલના આચાર્ય રોહિતરામજીનું પ્રાસંગિક ઉદ્દબોધન તેમજ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા સુપ્રસિદ્ધ કલાકાર ભરત બારીયાની વ્યસન મુક્તિ સબંધિત કૃતિ જેવા કાર્યક્રમો રજૂ થનાર છે. આ પ્રસંગે રાજકીય આગેવાનો ,મહાનુભવો તેમજ જિલ્લા/તાલુકાના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે.
યાકુબ પટેલ, કરજણ