રાષ્ટ્રીયકૃત બેંકો અને પોસ્ટલ વિભાગના ખાનગીકરણના વિરોધમાં કેન્દ્રીય ટ્રેડ યુનિયનના એક ફોરમ દ્વારા તા.28 અને 29 માર્ચ બે દિવસ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેના પગલે વડોદરા પોસ્ટલ વિભાગના કર્મચારીઓ તેમજ વડોદરાની રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ દ્વારા દેખાવો, સૂત્રોચ્ચાર સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
બેંક યુનિયનની ૨૩ જેટલી પડતર માંગણીઓ છે જેમાં સેક્રેટરી એ જણાવ્યું છે કે મહત્વની માંગે છે કે નવી પેન્શન યોજના ને બંધ કરી જૂની પેન્શન યોજના અમલમાં મૂકવી તેમજ બેંકોનું ખાનગીકરણ બંધ કરવું તેમજ ટાર્ગેટના નામે કર્મચારીઓને જે હેરાનગતિ થાય છે તે પણ બંધ કરવી તથા પાંચ દિવસનું અઠવાડિયું બનાવવાની બેંક યુનિયનની માંગણી છે આ તકે બેંક યુનિયનના સેક્રેટરી એ જણાવ્યું છે કે અમારી વર્ષો જૂની પડતર માંગણીઓ છે જે ૨૩ જેટલી માંગણીઓ હાલના સંજોગોમાં નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરીશું આજે સરકાર તરફથી વાટાઘાટો કરવા માટે પણ કોઈ જાણકારી મળેલ ના હોય આગામી સમયમાં જો માગણીઓ નહીં સંતોષાય તો આ આંદોલન જલદ આંદોલન બની રહેશે.
પોસ્ટ વિભાગ, બેંકોના કર્મચારીઓ આજે હડતાળ પર રહેતા તમામ સેક્ટરોની સર્વિસ પર અસર પડી હતી. ખાનગીકરણના વિરોધમાં કેન્દ્રીય કર્મચારીઓ દ્વારા આજે દેખાવો અને રેલીઓનું આયોજન કરતાં શહેરમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. વડોદરા પોસ્ટલ વિભાગ એસોસિએશન દ્વારા ફતેગંજ પોસ્ટ ઓફિસ ખાતે કર્મચારીઓ બેનર્સ, પોસ્ટર્સ અને પ્લેકાર્ડ સાથે દેખાવો કર્યાં હતા અને સૂત્રોચ્ચાર કર્યાં હતા.
વડોદરાની વિવિધ બેંકોના એસોસિએશનના કર્મચારીઓ ગાંધીનગર ગૃહ ખાતે પોસ્ટરો, બેનરો સાથે એકઠા થયા હતા. અને વિશાળ રેલી કાઢી હતી. ગાંધીનગર ગૃહ ખાતેથી નીકળેલી વિશાળ રેલીએ શહેરના માર્ગો ઉપર ભારે આકર્ષણ જમાવ્યું હતું. પોસ્ટ કર્મીઓની મુખ્ય માંગણી એ છે કે વર્ષ 2004 માં લાગુ કરવામાં આવેલી પેન્શન યોજનાઓ આપવામાં આવે તેમજ આગામી સમયમાં પોસ્ટનું જે ખાનગીકરણ કરવામાં આવે છે તે અટકાવવું જોઇએ. સરકાર તરફથી પોસ્ટ કર્મીઓને કોઈ પ્રત્યુતર ન મળતા આખરે પોસ્ટ કર્મીઓએ આંદોલનનો માર્ગ લઈ પોતાની વાત વ્યક્ત કરી હતી આગામી સમયમાં પોસ્ટ કર્મીઓની માગણીઓ નહીં સંતોષાય તો જલદ આંદોલન આપવાની પણ આ તકે ચીમકી ઉચ્ચારી છે.