વડોદરા: માં શક્તિના પર્વ નવરાત્રીનો પ્રારંભ થઇ ગયો છે, ત્યારે વડોદરાવાસીઓને શુદ્ધ ફરસાણ અને મીઠાઇ મળે તે માટે વડોદરા મહાનગર સેવાસદનના આરોગ્ય વિભાગ દ્વારા મિઠાઇ અને ફરસાણની દુકાનોમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે.
વડોદરામાં આરોગ્ય વિભાગે ફરસાણ અને મીઠાઇની દુકાનોમાં કર્યું ચેકિંગ
વડોદરા મહાનગર સેવાસદનના આરોગ્ય વિભાગની 5 ટીમો દ્વારા આજે વડોદરા શહેરના સયાજીગંજ, અલકાપુરી, કારેલીબાગ અને વી.આઇ.પી. રોડ ઉપર આવેલી ફરસાણ અને મિઠાઇની દુકાનોમાં દરોડા પાડયા હતા. આરોગ્ય વિભાગની ટીમે દરોડાની કાર્યવાહી શરૂ કરતા જ મીઠાઇ અને ફરસાણની દુકાનોના સંચાલકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો.
આરોગ્ય વિભાગના ફૂડ ઇન્સ્પેક્ટર્સે જણાવ્યું કે, વડોદરા શહેરમાં ઋતુજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે, ત્યારે વડોદરા શહેરમાં શરૂ થયેલા નવરાત્રી મહોત્સવમાં ખાણી-પીણીના શોખીન શહેરીજનોને શુદ્ધ ફરસાણ અને મીઠાઇ મળે તે માટે આજથી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. આજે આરોગ્ય વિભાગની 5 ટીમો દ્વારા સયાજીગંજ, અલકાપુરી, વી.આઇ.પી. રોડ અને કારેલીબાગમાં આવેલી મીઠાઇ અને ફરસાણની દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. અને ચેકિંગ કરવામાં આવેલી તમામ દુકાનોમાંથી ફરસાણ અને મીઠાઇના નમૂના લેવામાં આવ્યા છે.
ફૂડ ઇન્સ્પેક્ટર્સે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં નવરાત્રી મહોત્સવમાં ગરબા મેદાનોમાં મુકવામાં આવેલા ખાણી-પીણીના સ્ટોલ ઉપર પણ ચેકિંગ કરવામાં આવશે. અને સ્ટોલ ઉપરથી ખાણી-પીણીના નમૂના લઇ લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવશે…સૌજન્ય