વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કલા શરીફ સ્થિત સુપ્રસિધ્ધ હજરત ફૈયાઝુદ્દિન ઉર્ફે હજી પીર સાહેબ તેમજ હજરત સૈયદ ફૈઝુરરસુલ હાજી પીર બાવા સાહેબના ઉર્સ શરીફની હજારો મુરિદોની હાજરીમાં દબદબાભેર ઉજવણી કરાઇ હતી. છેલ્લા બે વર્ષથી કોરોના કાળ દરમિયાન કલા શરીફ ખાતે દરગાહ કમિટી દ્વારા ઉર્સ મોકૂફ રાખવામાં આવ્યો હતો. કોરોના મહામારી પૂર્ણ થતા કલા શરીફ ખાતે દરગાહ કમિટી દ્વારા ઉર્સની ઉજવણીની જાહેરાત કરાઈ હતી. હજરત સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબના જુના નિવાસ સ્થાનેથી સંદલ શરીફનું ઝુલુસ હજારો મુરીદોની હાજરીમાં પ્રયાણ થયું હતું. સંદલ શરીફમાં રફાઈના વિવિધ કરતબો યુવાનોએ રજુ કર્યા હતા. જેમાં અમુક કરતબો હેરત પમાડે તેવા રજુ કર્યા હતા.
સંદલ શરીફનું ઝુલુસ ગામના વિવિધ માર્ગો પરથી પસાર થઈ દરગાહ શરીફ ખાતે પહોંચ્યું ત્યારે હજરત સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબના હસ્તે પરંપરાગત રીતે પરચમ લહેરાવવવામાં આવ્યો હતો. ત્યારબાદ દરગાહ શરીફ ખાતે હજરત સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબ તેમજ હજરત સૈયદ વાહિદ અલી બાવા સાહેબના હસ્તે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી.
સમગ્ર વિશ્વમાં શાંતિ અને અમન કાયમ રહે એ માટે દુઆ ગુજારવામાં આવી હતી. ઉર્સ શરીફ પ્રસંગે ખૂબ જ મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટી પડયા હતા. તો બીજી તરફ કરજણ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર મેહુલ પટેલ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
યાકુબ પટેલ, કરજણ
કરજણના કલા શરીફ સ્થિત હજરત સૈયદ ફૈયાઝુદ્દિન ઉર્ફે હજી પીર સાહેબ તેમજ હજરત સૈયદ ફૈઝુરરસુલ હાજી પીર બાવા સાહેબના ૭૮ મા ઉર્સ શરીફની ઉજવણી કરાઇ.
Advertisement