વડોદરામાં બુટલેગરોને જાણે કે કાયદાનો ખોફ જ ન રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, એકબીજાને ધંધામાં નીચા બતાવવાની હરીફાઈ અને પોલીસને ભરણ આપી જાણે કે આખું વડોદરા માથે લઇ લીધું હોય તે પ્રકારની ઘટનાઓ હવે ધીમેધીમે સામે આવી રહી છે, સંસ્કારી નગરી વડોદરામાં એક બુટલેગર બીજા બુટલેગરને પોતાના વિસ્તારમાં ધંધો નથી કરવા દેતો અને અહીંયાથી માલ લઈને ગયો તો ધમકીઓ આપતા હોવાની વાતોની રજુઆત હવે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી રહી છે.
વડોદરાના રાવપુરા પોલીસ મથકની હદમાં બેફામ બનેલા બુટલેગરો હવે જાહેરમાં હરીફાઈ પર ઉતર્યા છે, જે બાબત બુટલેગરોના વાયરલ થયેલા કથિત ઓડિયો ઉપરથી સામે આવી છે, બુટલેગર લલિયો અને દર્શન પંચાલ વચ્ચે ધંધો કરવા માટે અને વિસ્તારો સાચવવા માટે ઉગ્ર અંદાજમાં થયેલ વાતચીત વાયરલ થયા બાદ આજકાલ ચર્ચાનું કેન્દ્ર બની છે.
વિશ્વામિત્રી વિસ્તાર અને રાવપુરા વિસ્તારમાં દારૂનો ધંધો કરવા માટે બંને બુટલેગરો એ બાયો ચઢાવી છે, એક બુટલેગર પડકાર આપતા જણાવી રહ્યો છે કે મારા વિસ્તારમાં તને દારૂ નહિ વેચવા દઉં અને તારે અહીંયાથી દારૂ લઈને પણ નહીં જવાનો, તો બીજો પડકારનો સામનો કરી જણાવી રહ્યો છે કે તારા વિસ્તારમાં હમણાં જ એક પેટી લઈને આવું છું, જોઈએ કોણ મને પકડાવે છે.
બુટલેગરો વચ્ચેની આખી બબાલમાં થયેલ વાયરલ ઓડીયો એ રાવપુરા પોલીસની આબરૂના ધજાગરા ઉડાવ્યા છે, બેફામ બનેલા બુટલેગરો જાણે કે પોલીસને ભરણ આપીને આખું વડોદરા ખરીદવા નીકળ્યા હોય તેવા ઘટનાક્રમ ઉપરથી કહી શકાય કે સંસ્કારી નગરી વડોદરામાં સબ સલામતના દાવા માત્ર કાગળ ઉપર જ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
તાજેતરમાં જ જામીન પર છૂટીને આવેલા દર્શન પંચાલે રાવપુરા પોલીસ પર પોલીસ કચેરીની હદમાં જ ગંભીર આક્ષેપો કર્યા કે બુટલેગર લલિયો ઉર્ફે હિતેશ ઠાકોર પોલીસને ૨ લાખનું ભરણ આપે છે અને પોલીસ સાથે સાંઠગાંઠ કરી પોતાનો દારૂનો વ્યવસાય બિન્દાસ અંદાજમાં ચલાવી રહ્યો છે.
આમ વડોદરામાં આજકાલ બેફામ બનેલા બુટલેગરોના કારનામા કહેવત પ્રમાણે છાપડે નહિ પરંતુ ઇમારતો ઉપર ચઢીને ગુંજી રહ્યા છે, ત્યારે આ તમામ બાબતો ઉપરથી કહી શકાય કે જો આટલી હદે આ માત્ર બે વિસ્તારના જ બુટલેગરો બેફામ બન્યા છે અને ખુલ્લેઆમ ધંધો કરવા માટે એકબીજાને ધમકીઓ આપી રહ્યા છે ત્યારે આખા વડોદરા શહેરમાં શુ સ્થિતિ હશે તેવી બાબતો આજકાલ આ આખાય ઘટનાક્રમ બાદથી જાગૃત નાગરિકોમાં ચર્ચાનુ કેન્દ્ર બની છે, આશા રાખીએ રાવપુરા સહિતની પોલીસ આવા તત્વો ઉપર કાયમી લગામ લગાવવા માટે મંથન કરે તે જરુર જણાઈ રહ્યું છે.