વડોદરા જિલ્લામાં રાષ્ટ્રીય આયુષ મિશન અંતર્ગત જિલ્લા આયુષ સોસાયટી, વડોદરાની રચના કરવામાં આવી છે. રાષ્ટ્રીય આયુષ મિશન અંતર્ગત સૌ પ્રથમવાર જિલ્લા આયુષ સોસાયટી, વડોદરાની સ્થાપના કરવામાં આવી છે.
જિલ્લા આયુષ સોસાયટીની સૌ પ્રથમ બેઠક કલેકટર અતુલ ગોરના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં આયુષ ચિકિત્સા પધ્ધતિનો પ્રચાર-પ્રસાર સારી રીતે થાય તેની ચર્ચા કરવામાં આવી હતી. વધુમાં વધુ લોકોને આરોગ્ય સુખાકારી પ્રાપ્ત થાય, આયુર્વેદિક, હોમિયોપેથી અને યોગના વિવિધ પ્રોજેકટના અસરકારક અમલીકરણ માટે આ સોસાયટી કાર્ય કરશે. આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર આરોગ્ય વિષયક પ્રવૃત્તિઓને વેગ મળે તે માટે વિવિધ મુદ્દાઓને આવરી લેતી આ આ સમિતિની રચના કરવામાં આવી છે.
વડોદરા જિલ્લા કલેક્ટર અતુલ ગોરના અધ્યક્ષસ્થાને યોજાયેલ જિલ્લા આયુષ સોસાયટી ગવર્નીગ બોડીની બેઠક યોજાઇ હતી. બેઠકમાં સોસાયટીની રચના થયા બાદ તેના રજીસ્ટ્રેશન, બૅન્ક એકાઉન્ટ ખોલાવવાની અને વિવિધ વહીવટી બાબતો સહિત વિવિધ મુદ્દાઓની ચર્ચા બેઠકમાં કરવામાં આવી.
ખાસ કરીને કુપોષણ નાબૂદી સહિત જિલ્લાના વિવિધ આરોગ્યલક્ષી પ્રશ્નોના નિવારણ માટે આયુષના પ્રચાર-પ્રસારની કામગીરી કરવામાં આવે તે અંગે કલેકટરશ્રીએ સૂચનો આપ્યા હતા. આશરે ૧૦ હજાર જેટલા કુપોષિત બાળકોને આયુર્વેદ ઔષધિઓ દ્વારા સારવાર તથા માર્ગદર્શન આપવાના પાયલોટ પ્રોજેકટનો પ્રારંભ કરવા પણ કલેકટર ગોરે સૂચન કર્યુ. વધુમાં આ સોસાયટીની આરોગ્યલક્ષી કામગીરી માટે જરૂરી ફંડ જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી મેળવવામાં આવશે. વન વિભાગના સહકારથી દરેક શાળાઓમાં ઔષધિય વૃક્ષારોપણનું વાવેતર કરવામાં આવશે. આંગણવાડીઓ સાથે સંકલન કરી હર્બલ ગાર્ડન વિકસાવવામાં આવે તે માટે પણ આયોજન કરવામાં આવશે. સામાજિક અગ્રણીઓ સાથે સંકલન કરી આયુષની કામગીરીનો વ્યાપ વધારવો તે માટેના સૂચનો પણ લેવામાં આવ્યા હતા.
બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઇ પટેલ, જાહેર આરોગ્ય સમિતિ ચેરમેન નિલેશભાઈ પુરાણી, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. રાજેન્દ્ર પટેલ, જિલ્લા કક્ષાના મુખ્ય અધિકારીઓ, આચાર્યશ્રી, વડોદરા સરકારી આયુર્વેદ કોલેજના અધિક્ષક, સરકારી આયુર્વેદ હોસ્પિટલના વૈધ પંચકર્મ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, ICDS પ્રોગ્રામ ઓફીસર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, શાસનધિકારી, નાયબ કાર્યપાલક ઇજનેર, બાગાયત અધિકારી, આયુષ મેડીકલ એસો. વડોદરાના રીપ્રેઝન્ટેટીવ, દીપક ફાઉન્ડેશન અને કોસ્મો ફાઉન્ડેશનના પ્રતિનીધિ, વૈધ જાનવી ત્રિવેદી સીનીયર આયુષ ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વનું છે કે, રાષ્ટ્રીય આયુષ મિશનના પ્રોટોકોલ મુજબ વડોદરા જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ. સુધીર જોશીને નેશનલ આયુષ મિશનના જિલ્લા ડાયરેક્ટર અને નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યુ કે, જિલ્લાઆયુષ સોસાયટીની રચના પછી આયુષની પ્રવૃત્તિઓને વેગ મળશે. વધુમાં વધુ લોકો આયુષને અપનાવશે. આરોગ્ય સુખાકારી વધશે, કુપોષણ સહિતની આરોગ્યલક્ષી સમસ્યાઓને નાથવામાં આયુષના સિધ્ધાંતો ચાવી રૂપ ભૂમિકા ભજવશે.