સૌજન્ય-વડોદરા: વડોદરા શહેરના દાંડિયાબજાર વિસ્તારમાં રહેતા અને વ્યવસાયે સોશિયલ વર્કર 62 વર્ષીય ગણેશ ભક્ત વિલાસ દિનકરરાવ જાધવ પાસે 200થી વધુ ગણેશજીની એન્ટિક મૂર્તિઓનું કલેક્શન છે. 1988માં ગાયકવાડી રાજ જ્યોતિષના ભાઈ દ્રુવદત્ત વ્યાસે તેઓને સ્ફ્ટિકના 1 ઇંચના ગણેશ આપ્યા અને ત્યારથી તેઓ ગણેશ પ્રતિમાનું કલેક્શન કરે છે. છેલ્લા 40 વર્ષમાં 1 ઇંચથી 1 ફૂટ સુધીની 200થી વધુ યુનિક ગણેશ પ્રતિમાનું કલેક્શન કરી ચૂક્યા છે અને તેઓના ઘરે આવનાર અતિથિને એક સાથે આટલાં બધાં ગણેશજીના કરવાનો આનંદ અનેરો છે.
1 ઇંચથી 1 ફૂટ સુધીની ગણપતિની એન્ટિક મૂર્તિઓનું કલેક્શન
ગણેશ ભક્ત વિલાસ દિનકરરાવ જાધવે જણાવ્યું હતું કે, મારા કલેક્શનમાંથી અમેરિકા, કેનેડા, લંડન અને યુરોપ સહિતના દેશોમાં લોકો ગણેશજીને લઇ ગયા છે. ઘરમાં જો એક ગણેશ હોય તો તેઓ સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરતા હોય છે તો મારા ઘરે 200થી વધુ ગણપતિ છે તો તેમની અપાર કૃપાના માલિક થવાની જે ભાવના છે તે ખરેખર અનેરી છે તેમ વિલાસ જાધવે વધુમાં ઉમેર્યું હતું.
સ્ફટિકના ગણેશ ખરાબ આત્માઓના પ્રભાવને નબળો પાડે છે
સ્ફટિકનો ગુણધર્મ અને ગણેશની કૃપાના સમન્વય ધરાવતી 1 ઇંચની 100 વર્ષ જુની સ્ફટિકની ગણેશ પ્રતિમા જે ખરાબ આત્માઓના પ્રભાવને નબળો પાડે છે. આ પ્રકારની ગણેશ પ્રતિમાને શરીર પર ધારણ કરનારના સર્વ દુઃખ અને દારિદ્રયનો નાશ થાય છે અને ધનધાન્યથી સમ્પન્ન થાય છે.
125 વર્ષ જુના કાગળના ગણેશ
મહારાષ્ટ્રના કોલાપુર વિસ્તારમાં આવેલા મારા ઘરમાં 125 વર્ષ જુના કાગળના ગણેશ મારી પાસે છે. છેલ્લા 5 વર્ષથી પર્યાવરણ રસિકો ગણેશની ઇકોફ્રેન્ડલી મૂર્તિ મુકવાની વાતો કરે છે, ત્યારે કાગળના ગણેશની પ્રતિમા આજથી 125 વર્ષ પહેલાથી પર્યાવરણ જાગૃતીનો મેસેજ આપે છે.
મુંબઇ દરિયાના ઘંટ ગણેશ
200 વર્ષ જુના મુંબઇ દરિયાના ઘંટ ગણેશ આજે પણ લોકોના શ્રદ્ધાનો વિષય છે. દરિયામાંથી મળેલ બ્રાસની ગણેશ પ્રતિમાને આજે પરંપરાગત રીતે સાચવી રાખી છે.
હાથી પર બિરાજમાન ગણેશ
શિપ્રા નદીના તટ પરથી પ્રાપ્ત થયેલ 150 વર્ષ જૂની હાથી પર બિરાજમાન ગણેશ પ્રતિમાને મુંબઇ, પુના અને વડોદરા સહિતના અનેક રાજ્યોમાં લોકોએ સ્થાપના કરી છે.
નારિયેળમાંથી બનેલા ગણેશ
આર્ટવર્કના ઉત્તમ ઉદાહરણ સ્વરૂપ નારિયેળમાંથી બનેલ ગણેશનું કલેક્શન ધરાવતા વિલાસ જાધવે જણાવ્યું હતું કે ગણેશજી સહિત દરેક ભગવાનને અહંકાર અર્પિત કરવાના ભાવ રૂપે નારિયેળ ચઢાવવામાં આવે છે. જે નારિયેળને એક આર્ટ ફોર્મના નિરૂપિત કરવામાં આવ્યા છે.