રાજયમાં દિન પ્રતિદિન ખેતી અને બાગાયતી પેદાશોનું ઉત્પાદન વધી રહ્યું છે, પરંતુ આપણું રાજ્ય પ્રોસેસીંગમાં પણ ક્યાય પાછળ રહી ન જાય તેમજ રાજ્યની મહિલાઓ સ્વરોજગાર મેળવે તે હેતુથી રાજ્ય સરકારના બાગાયત ખાતા દ્વારા શહેરી અને ગ્રામ્ય વિસ્તારની બહેનોને ફળ અને શાકભાજીની પરિક્ષણ (પ્રીઝર્વેશન) ની ૨ અને ૫ દિવસની તાલીમ આપવામાં આવી રહી છે. જેમાં બહેનોને વિવિધ બનાવટો જેવી કે લીમ્બુનો સ્ક્રોશ ( સરબત ), ટામેટાનો કેચઅપ, ટામેટાં માર્ચલેડ, પપૈયાની ટુટીપુટી, જામફળ – પાઈનેપલ સરબત, મીક્ષ ફૂટ જામ, કોપરાના લાડુ, ખજૂરના લાડુ, કોઠાની જેલી, વિવિધ અથાણાં બનાવવાની તાલીમ આપવામાં આવે છે.
આજરોજ વડોદરા જીલ્લાના કરજણ તાલુકાનાં ધાવટ ગામમાં નાયબ બાગાયત નિયામક, વડોદરા દ્વારા તા.૧૪-૧૫ માર્ચ ૨૦૨૨ એમ બે દિવસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજિત ૫૦ બહેનોએ લાભ લીધેલ હતો. આ તાલીમના ઉદગાટન પ્રસંગમાં કરજણના પૂર્વ ધારાસભ્ય સતિષભાઇ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ ચૌહાણ, જીલ્લા ભાજપ મંત્રી ભરતભાઇ પટેલ, તાલુકા કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રભાઇ પાટણવાડિયા, તાલુકા ભાજપ ઉપપ્રમુખ મહેશભાઇ પટેલ, ધાવટ શક્તિ કેન્દ્ર ના ઇન્ચાર્જ ભાવેશભાઇ પટેલ, તાલુકા સદસ્ય રોહનભાઇ પટેલ તથા ગામના પ્રાકૃતિક ખેતીના આગેવાન નરેન્દ્ર ભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
જીલ્લાના બાગાયત અધિકારી રાજેન્દ્રસિંહ પરમારે જણાવ્યુ હતું કે બાગાયત ખાતા દ્વારા બહેનોને તાલીમ આપી તેઓને સ્વ – નિર્ભર બનાવવાનો આ એક પ્રયાસ છે અને તાલીમ લીધા બાદ જે બહેનોએ વ્યક્તિગત કે ગ્રૂપમાં કોઈ ગૃહ ઉધ્યોગ શરૂ કરવો હોય તેના માટે પણ બાગાયત ખાતા દ્વારા સહાય આપવામાં આવે છે. આ બહેનોને સરકાર તરફથી પ્રતિ દિવસ રૂ .૨૫૦ મુજબ બે દિવસના રૂ ૫૦૦ તાલીમાર્થીઓના બેન્ક એકાઉન્ટમાં સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવશે. આ તાલીમનો લાભ લેવા માટે આઇ – ખેડૂત પોર્ટલ પર મહિલાઓને વૃતિકા ( સ્ટાઇપેન્ડ ) આપવાના ધટક ” માં ઓનલાઈન અરજી કરવાની હોય છે જેમાં આધારકાર્ડ, બારકોડેડ રેશન કાર્ડ અને બેન્ક ખાતાની વિગતોની જરૂરિયાત રહેતી હોય છે. આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય સતિષભાઇ પટેલ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરી બહેનોને પ્રોત્સાહિત કરી ભવિષ્યમાં ગૃહ ઉધ્યોગ શરૂ કરવો હોય તો તેઓને એક તેમજ સહકારી માળખાને સંબંધિત તમામ મદદ કરવાની ખાતરી આપી હતી.
યાકુબ પટેલ, કરજણ