વાલ્મિકી સમાજ માટે કરેલી ટિપ્પણીના વિરોધમાં ફિલ્મ અભિનેતા સલમાનખાન અને અભિનેત્રી શિલ્પા શેટ્ટી સામે વડોદરાની કોર્ટમાં ફરિયાદ દાખલ થતા કોર્ટે પોલીસ દ્વારા તા.૨૯ના રોજ થયેલી ફરિયાદમાં શુ કાર્યવાહી કરવામાં આવી તે અંગે સાત દિવસમાં અહેવાલ રજુ કરવા હુકમ કર્યો છે.
વડોદરાના માજી મેયર સુનીલ સોલંકી દ્વારા ડિસ્ટ્રીક્ટ એન્ડ સ્પેશીયલ જજ એસ.એમ. રાજપુરોહીતની કોર્ટમાં સલમાનખાન અને શિલ્પા શેટ્ટી સામે વિવિધ આક્ષેપો કરતી ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં જણાવ્યુ હતુ કે એક થા ટાઇગર ફિલ્મના પ્રમોશન દરમિયાન સલમાનખાને પોતાના ડાન્સ અંગે વાલ્મિકી સમાજની લાગણી દુભાય તેવુ નિવેદન કર્યુ હતું. જ્યારે શિલ્પા શેટ્ટીએ પણ ટીવી પરના એક શોમાં પોતે પહેરેલ વસ્ત્રો અંગે વાલ્મિકી સમાજનું અપમાન થાય તેવા શબ્દપ્રયોગ કર્યા હતાં.
ધારાશાસ્ત્રી પ્રવિણ ઠકકર તેમજ અન્ય દ્વારા દાખલ કરાયેલી આ ફરિયાદમાં જણાવાયુ હતુ કે બંને કલાકારો દ્વારા જે ટિપ્પણી કરાઇ તે સોશિયલ મિડિયા પર વાયરલ થતા સમગ્ર સમાજની લાગણીને ઠેસ પહોંચી છે, આવા કૃત્યથી સમાજના સવર્ણ અને શુધ્ધ જ્ઞાાતિના બે વર્ગો વચ્ચેનો સુમેળ તુટે, શુધ્ધ જ્ઞાાતી પ્રત્યે જાતીય રીતે લોકોમાં ધીક્કારની લાગણી પેદા થાય, તેવી લાગણીને પ્રોત્સાહન મળે તેમજ દુશ્મનાવટ થાય તેવુ કૃત્ય થયુ છે. આ ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે આ ગંભીર ગુના અંગે શહેર ક્રાઇમ બ્રાંન્ચને ફરિયાદ કરવામાં આવી હતી અને કાર્યવાહી કરવા જણાવાયુ હતુ પંરતુ પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરાઇ નથી. કોર્ટે ઉપરોક્ત વિગતોની ફરિયાદને ધ્યાનમાં રાખી તા.૨૯ના રોજ આપેલી ફરિયાદમાં શુ કાર્યવાહી કરી છે તેનો અહેવાલ સાત દિવસમાં સુપરત કરવાનો હુકમ કર્યો હતો.
સૌજન્ય