રાત્રે 11 વાગ્યાની આસપાસ વડોદરા શહેરનાં ઉત્તર ભાગમાં આવેલ છાણી, ટીપી ૧૩, નવાયાર્ડ, નિઝામપુરા, સમા, હરણી, ગોરવા, સમા-સાવલી રોડ, કારેલીબાગ જેવાં વિસ્તારોમાં કેમિકલ ગેસની ગંધ આવવાની શરૂઆત થઇ હતી. ધીમે ધીમે તે દુર્ગંધ વધુ તીવ્ર બનતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો. તીવ્ર દુર્ગંધને પગલે ઘણાં વિસ્તારોમાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં. ગંધ ક્યાંથી આવી રહી છે તે જાણવાં લોકોએ પ્રયાસ કર્યો હતો. ભયભીત નાગરિકોએ વડોદરા શહેર પોલીસનાં કંટ્રોલ રૂમનાં 100 નંબર પર ડાયલ કરીને પોતાની ફરિયાદ જણાવી હતી જેને કારણે, મોડી રાત સુધી વડોદરા પોલીસ કંટ્રોલ રૂમ સતત વ્યસ્ત રહ્યો હતો. પોલીસ કંટ્રોલ રૂમનો ફોન સતત રણક્યા કર્યો હતો અને સ્ટાફને મોડીરાત સુધી સંખ્યાબંધ ફોન કોલ્સનો સામનો કરવો પડ્યો હતો. જોકે, સમગ્ર વિષય પ્રદુષણ નિયંત્રણ વિભાગનો હોઇ, પોલીસે તમામને જીપીસીબી એટલે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની વડોદરા કચેરીનો સંપર્ક કરવાં જણાવ્યું હતું પણ તે કચેરીનો પણ સંપર્ક ન થઇ શકતા મૂંઝવણમાં મુકાયેલાં નાગરિકોમાં ડર વધ્યો હતો.
વડોદરાનાં આ સીમિત વિસ્તારોમાં અવારનવાર આ પ્રકારનાં કેમિકલ ગેસની દુર્ગંધ ફેલાય છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેની નિયમિતતા વધી છે. ખાસ કરીને રાત્રીનાં સમયે જ ફેલાતી આ પ્રકારનાં ગેસની દુર્ગંધ લોકોને ભોપાલ ગેસ દુર્ઘટના જેવી ત્રાસદીની ભયાવહ યાદો તાજા કરાવે છે જેને કારણે વડોદરાવાસીઓમાં તેને લઇને ખુબ ભય છે. વડોદરામાં વારંવાર કેમિકલ ગેસની તીવ્ર દુર્ગંધ આવવાનું મુખ્ય કારણ અહીં આવેલાં મહાકાય કેમિકલ ઉદ્યોગો છે. જેને લીધે વડોદરા શહેર જીવતાં બોમ્બ ઉપર બેઠું હોવાનો અહેસાસ નાગરિકોને થઇ રહ્યો છે. વડોદરાનાં ઉત્તર ભાગમાં જીએસએફસી, આઇઓસીએલ ગુજરાત રિફાઇનરી, આઇપીસીએલ (રિલાયન્સ), જીઆઇપીસીએલ, ગુજરાત આલક્લીઝ એન્ડ કેમિકલ્સ જેવાં વિશાળ ઔદ્યોગિક સંકુલો આવેલાં છે. આ ઉપરાંત નંદેશરી, રણોલી જેવી જીઆઇડીસીમાં સેંકડોની સંખ્યામાં કેમિકલ ગેસ કંપનીઓ અને તેમનાં જોખમી પ્લાન્ટ્સ આવેલાં છે. અનુમાન છે કે, તેમાંથી છોડાતાં પ્રદુષણરૂપી ગેસને કારણે વડોદરામાં આ પ્રકારનાં ગેસની દુર્ગંધ વારંવાર ફેલાય છે. જેને કારણે વડોદરાવાસીઓનાં જીવ સામે જોખમ વધી રહ્યું છે. લોકોમાં દહેશત પણ વધતી જાય છે. આ અંગે શહેરનાં જાણીતાં પર્યાવરણવિદો ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડથી માંડીને છેક કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ સુધી રજુઆતો તેમજ આ જોખમી કેમિકલ કંપનીઓ સામે પણ ફરિયાદો કરી ચુક્યા છે પણ તેને લઇને હજી સુધી કોઇ નક્કર પગલાં લેવાયાં નથી. જીપીસીબી પણ વડોદરામાં અવારનવાર ફેલાઇને લોકોનાં જીવ પડીકે બાંધતી આ કેમિકલ ગેસની દુર્ગંધનું ઉત્પન્ન બિંદુ શોધી શક્યું નથી જેને લઇને ભયભીત વડોદરા વાસીઓમાં જીપીસીબીનાં આળસુ તેમજ બેદરકાર તંત્ર સામે રોષ વધી રહ્યો છે.