હાવરા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં બોગસ આધારકાર્ડ સાથે ઝડપાયેલી બે બાંગ્લાદેશી યુવતીઓનું વડોદરામાં જોઇન્ટ ઇન્ટ્રોગેશન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મૂળ બાંગ્લાદેશની બે યુવતી યાસ્મીન ઉર્ફે જન્નત જજમીયા મુસ્લિમ અને પોપીબેગમ ઉર્ફે ફરઝાના મોહંમદ સૈફુલ ઇસ્લામ શેખ હાવરા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં પ્રવાસ કરતા હતા ત્યારે તેઓની ભાષા પરથી તેમની પાસેના આઇડી પ્રુફ ચેક કરતા બંને પાસેથી આધારકાર્ડ મળ્યા હતાં. આ અંગે તપાસ હાથ ધરતા બંને યુવતીઓએ પોતાના આધારકાર્ડ પશ્ચિમ બંગાળમાં રહેતા નાઝમુલ શેખને આપતા તેને પશ્ચિમ બંગાળના મામા નામના શખ્સ પાસેથી બોગસ આધારકાર્ડ બનાવ્યા હોવાનું બહાર આવ્યું હતું.
રેલવે પોલીસે પ્રાથમિક તપાસ કર્યા બાદ બંને બાંગ્લાદેશી યુવતીઓ તેમજ પશ્ચિમ બંગાળની અન્ય એક યુવતી મૌસમી ઉર્ફે સારમીન મીંટુ ઉર્ફે રહીમ શેખને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી દેવાઇ હતી. બાંગ્લાદેશી યુવતીઓ પાસેથી બોગસ આધારકાર્ડ મળતા તેમના ઇરાદા શું હતા તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. બાંગ્લાદેશી યુવતીઓ ઝડપાયા બાદ હવે સેન્ટ્રલ એજન્સીઓ પણ તપાસમાં જોડાશે.
બાંગ્લાદેશી યુવતીઓ યાસ્મીન અને પોપીબેગમની સેન્ટ્રલ આઇબી, સ્ટેટ આઇબી, આર્મી, ક્રાઇમ બ્રાંચ, એસઓજી સહિતની ટીમો દ્વારા આવતા સપ્તાહે પૂછપરછ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. સેન્ટ્રલ ઇન્ટ્રોગેશન બાદ સેન્ટ્રલ આઇબી દ્વારા રિપોર્ટ સરકારમાં મોકલવામાં આવશે અને તેના આધારે બંને યુવતીઓ અંગે આગળના નિર્ણયો લેવાશે.