વડોદરા જિલ્લાના કરજણ સ્થિત સાબરી હાઇસ્કૂલ ખાતે મુસ્લિમ સૈયદ સાદાત સમાજનો યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ સમારોહ ઓલ ગુજરાત સાદાત ફાઉન્ડેશનના સૌજન્યથી યોજાયો હતો. જેમાં મુસ્લિમ સૈયદ સાદાત સમાજના ત્રણ યુગલોએ નિકાહના પવિત્ર બંધનમાં બંધાઈને સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો. કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ અલગ અલગ વક્તાઓએ સમૂહ લગ્નોત્સવ વિશેના ફાયદા જણાવ્યા હતા સાથે સાથે સાંપ્રત મોંઘવારીના યુગમાં ખોટા ખર્ચાઓથી દૂર રહી પોતાના બાળકોને સુશિક્ષિત બનાવી સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી બનાવવા ખાસ અનુરોધ કર્યો હતો. યુગલોને તેઓનું લગ્ન જીવન સફળ અને સુખમય બને એ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ભાગ લેનાર યુગલોને સખી દાતાઓ તરફથી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ અર્પણ કરાઇ હતી.
ત્યારબાદ ઓલ ગુજરાત સાદાત ફાઉન્ડેશનના અધ્યક્ષ સૈયદ શૌકત અલી બાવા સાહેબે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે સમૂહ લગ્નોત્સવનો મુખ્ય હેતુ સમાજમાં રહેલી ઉણપો દૂર કરવાની સાથે સાથે સમાજના બાળકોને સુશિક્ષિત બનાવવાની તેમજ સમાજની વિધવા મહિલાઓ, જરૂરિયાત મંદોને મદદરૂપ બની સમાજને આગળ લાવવાની નેમ સાથે ઓલ ગુજરાત સાદાત ફાઉન્ડેશન દ્વારા પ્રવૃત્તિઓ ચાલી રહી છે. દુલ્હનોને જ્યારે સજળ નયનોએ તેઓના સ્વજનોએ વિદાય આપી ત્યારે અત્યંત ભાવુક દ્ર્શ્યો સર્જાયા હતા. સમૂહ લગ્નોત્સવ સમારોહમાં સૈયદ સોકત અલી અશરફી બાવા સાહેબ, સૈયદ નુરુદ્દીન બાવા સાહેબ, સૈયદ અબરાર અશરફી બાવા, સૈયદ અશરફી બાવા સાહેબ, સૈયદ ઝાકીર હુસેન બાવા, સૈયદ સુબહાની બાવા, સૈયદ ઝાકીર બાપુ ટુંડાવવાળા, સૈયદ અજગર અલી બાપુ ઉપસ્થિત રહ્યા હતા.
યાકુબ પટેલ, કરજણ
વડોદરા : કરજણ ખાતે મુસ્લિમ સૈયદ સાદાત સમાજના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ યોજાયો.
Advertisement