વડોદરા મધ્યસ્થ જેલમાં કેદીઓની તલાશી લેતા કાચા કામના કેદી પાસેથી બે મોબાઇલ ફોન મળી આવતા આવેશમાં કેદીએ પોલીસ કર્મી ઉપર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ફરિયાદના આધારે પોલીસે સરકારી કામમાં રૂકાવટ, કેદી અધિનિયમ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. અત્રે નોંધનીય છે કે, સેન્ટ્રલ જેલમાં મોબાઇલ ફોન મળી આવવાની સાથે આરોપીઓ બિન્દાસ નશીલા પદાર્થનું સેવન કરતા હોવાના વીડિયો પણ વાયરલ થયા છે. જેલમાં કેદી પાસેથી મોબાઇલ ફોન મળી આવતા સુરક્ષા વ્યવસ્થા અંગે પણ સવાલો ઉભા થયા છે. વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી મોબાઇલ ફોન મળી આવવાની ઘટના સામાન્ય બની છે. છાશવારે સેન્ટ્રલ જેલમાં કેદીઓ મોબાઇલ ફોનનો બિન્દાસ ઉપયોગ કરતા હોવાની ઘટનાઓ સામે આવે છે. દરમિયાન સેન્ટ્રલ જેલમાંથી વધુ બે મોબાઇલ ફોન મળી આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. આ અંગેની વિગત એવી છે કે, વડોદરા મધ્યસ્થ જેલમાં હરેશભાઈ બાબરીયા જેલર ગ્રૂપ તરીકે ફરજ બજાવે છે. ગઈકાલે તેઓએ સાથી પોલીસ કર્મચારીઓ સાથે યાર્ડ-૮ બેરેક-૧માં કાચા કામના કેદીઓની અંગ જડતી લીધી હતી. આ દરમિયાન મહિપતસિંહ ઉર્ફે રામવાળો ઉર્ફે સીતારામ ચંપુભા ઝાલા (રહે. તા.પાટડી, જી. સુરેન્દ્રનગર) પાસેથી ઘૂંટણના નીચેના ભાગે સંતાડી રાખેલો મોબાઇલ ફોન મળી આવ્યો હતો. વધુ તપાસ હાથ ધરતા બેરેકની બારી પાસેથી કપડામાં વીંટાળી સંતાડી રાખેલો અન્ય એક મોબાઇલ ફોન પણ મળી આવ્યો હતો.
મોબાઈલ ફોન પોલીસના હાથે લાગતા ઉશ્કેરાયેલા મહિપતસિંહે હવાલદાર અરવિંદભાઈ રાઠવા ઉપર ઈંટનો ઘા કર્યો હતો. જોકે તેઓ નીચે નમી જતા બચાવ થયો હતો. આમ આરોપીએ પોલીસ કામગીરીમાં પણ રૂકાવટ ઊભી કરી હતી. હાલ પોલીસે આ મોબાઈલ ફોન જેલમાં કેવી રીતે પહોંચ્યા ? અને તેનો ઉપયોગ કોણ કરતું હતું તે દિશામાં ચોક્કસ માહિતી મેળવવા આરોપીના રિમાન્ડની પ્રક્રિયા હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.