પૂર્વ મંત્રી અને ધારાસભ્ય યોગેશભાઈ પટેલે મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલના ન્યુરો સર્જરી વિભાગને મગજ,કરોડરજ્જુ અને ચેતાતંત્રને લગતી ખૂબ જ સંવેદનશીલ શસ્ત્રક્રિયાઓ વધુ ચોકસાઈ અને સચોટતા સાથે કરવા માટે નિતાંત જરૂરી નવીન અને અતિ અદ્યતન ન્યૂરો સર્જીકલ ઓપરેટિંગ માઈક્રોસ્કોપ માટે વિધાયક અનુદાન ફાળવ્યું હતું. તેમાંથી વસાવવામાં આવેલા આ જીવન રક્ષક તબીબી ઉપકરણનું તેમણે આજે ઉપરોક્ત વિભાગની મુલાકાત લઈને લોકાર્પણ કર્યું હતું.
તેમણે જણાવ્યું કે ન્યુરો સર્જરી વિભાગ પાસે ખૂબ જૂનું માઈક્રોસ્કોપ હતું જેના લીધે મગજ અને કરોડરજ્જુની જટિલ શસ્ત્રક્રિયાઓ અસંભવ બની ગઈ હતી અને રોગ પીડિતોને તેના માટે અમદાવાદ જવું પડતું. પરિણામે તેમને વધુ સમય અને નાણાં ખર્ચવાની હાલાકી પડતી. આ અદ્યતન માઈક્રોસ્કોપને લીધે હવે અમદાવાદના આંટાફેરા અટકશે. તેમણે જણાવ્યું કે વડોદરાના સાંસદો અને ધારાસભ્યોએ સયાજી હોસ્પિટલના વિવિધ વિભાગોમાં નવી સુવિધાઓ માટે ઉદાર અનુદાન ફાળવ્યું છે.
વડોદરાને એમ્સના વિકલ્પે તેના જેવી જ આરોગ્ય સુવિધાઓ મળે તે માટે અમે સૌ સયાજી સહિતની સરકારી હોસ્પિટલો માટે રાજ્ય સરકાર મહત્તમ ફાળવણી કરે તે માટે સતત પ્રયત્નો કરીએ છે એમ તેમણે ઉમેર્યું હતું. તેનો દાખલો આપતાં તેમણે જણાવ્યું કે વડોદરાને હૃદયરોગની સારવાર માટેની શ્રેષ્ઠ સુવિધા ઉપલબ્ધ કરાવવા અને સયાજી હોસ્પિટલના આંખ, કિડની અને સ્પાઇન વિભાગોને જરૂરી અદ્યતન સુવિધાઓ આપવા કુલ રૂ.૩૫૦ કરોડનું આયોજન ઘડવામાં આવ્યું છે. જે પૈકી વર્તમાન વર્ષના અંદાજપત્રમાં રૂ.૫૩ કરોડની શરૂઆતી જોગવાઈ કરવામાં આવી છે. અમે વડોદરાને શ્રેષ્ઠ આરોગ્ય સુવિધા અપાવવા માટે કટિબદ્ધ છીએ. અદ્યતન અને એડવાન્સ માઇક્રોસ્કોપ સર્જન માટે ત્રીજી આંખ સમાન ગણાય તેવી લાગણી વ્યક્ત કરતાં સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. રંજન કૃષ્ણ ઐયરે જણાવ્યું કે યોગેશભાઈ પટેલના અનુદાનથી મળેલા આ તબીબી ઉપકરણથી ન્યુરો સર્જરી વિભાગમાં વધુ સચોટ શસ્ત્રક્રિયાઓ થઈ શકશે. ખૂબ ચોકસાઈ, પ્રિસિઝન ( બારીકાઇ),અને મેગ્નીફિકેશનથી સર્જરીઓ થઈ શકશે જેના ખૂબ સારા પરિણામો મળશે.
આ અદ્યતન ઉપકરણથી મગજની અતિશય સૂક્ષ્મ ધમનીઓ/ શિરાઓ તેમના મૂળ રંગમાં, મૂળ કદથી ખૂબ મોટા કદમાં જોઈ શકાશે જેથી ઓપરેટિંગ સર્જન શરીરના સારા ભાગોને સલામત રાખીને અને માત્ર વિકૃતિગ્રસ્ત ભાગમાં જ શસ્ત્રક્રિયાઓ ખૂબ સચોટતા અને બારિકાઈથી કરી શકશે. ધારાસભ્યએ આ માત્ર એક ઉપકરણ માટે ન્યૂરો સર્જરી વિભાગને સૌથી મોટું અનુદાન ફાળવ્યું, તે માટે ડો.રંજને એમનો હાર્દિક આભાર માન્યો હતો.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં જ આ સાધનની મદદથી સયાજીમાં પહેલીવાર માયો માયો નામક ખૂબ જટિલ રોગથી પીડાતા બે બાળકોની સફળ સર્જરી કરવામાં આવી હતી. ઇડાશ તરીકે ઓળખાતી આ સર્જરી સયાજીમાં અને વિભાગમાં પહેલીવાર થઈ હતી અને દર્દીઓના પરિવારોને ખૂબ મોટી રાહત સરકારી દવાખાનામાં મળી હતી.