વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છાણી વિસ્તારમાં ખેતરોમાં રસ્તો બનાવી દીધો તે અંગેનો વિવાદ થયા બાદ વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા પણ અનેક નિર્જન વિસ્તારમાં રસ્તા બનાવી દેતા હવે વિવાદ શરૂ થયા છે. જેમાં અગાઉ ધારાસભ્યએ ૧૭ રોડની વિજિલન્સની તપાસ માંગી હતી. તો આજે વિરોધ પક્ષના નેતા અને શિવસેનાના અગ્રણીએ પણ અંકુલ ટીપી નંબર ૨૫ અને વાઘોડિયા ચોકડી પાસે ગુરુકુળની આસપાસના નિર્જન વિસ્તારમાં રસ્તા તૈયાર થયા છે તે અંગે વિજિલન્સની તપાસની માંગણી કરી છે.
શહેરમાં આડેધડ વિકાસ થઈ રહ્યો છે અને તેમાં બિલ્ડર લોબીને ધ્યાનમાં રાખીને રસ્તા બનાવવામાં આવી રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં જ્યાં સોસાયટી એપાર્ટમેન્ટ બન્યા છે ત્યાં રસ્તા બનાવવામાં આવતા નથી અને જ્યાં કોઈ આજદિન સુધી અને આગામી ચાર વર્ષ સુધી કોઈ રહેવા જનાર નથી એવા નિર્જન વિસ્તારમાં રસ્તા બનાવી દેવામાં આવે છે. તાજેતરમાં છાણી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાના સૂચનથી ખેતરોમાં રસ્તો બનાવી દેવામાં આવ્યો હોવાનો વિવાદ સર્જાયો હતો. એ જ પ્રમાણે વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા પણ બિલ્ડરોને ફાયદો થાય તે રીતના રસ્તાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંગે ભાજપના જ ડભોઇ ધારાસભ્યએ ભાયલી વિસ્તારના ૧૭ રોડ વિજિલન્સની તપાસની માંગણી કરી હતી.
આજે કોર્પોરેશનના વિપક્ષના નેતાએ ટીપી સ્કીમ નંબર ૨૫ માં બે મુખ્યરસ્તા બનાવ્યા છેજેમાં એક રસ્તો ખેતરોમાંથી પસાર થઇ રહ્યો છે તો બીજો રસ્તો તળાવની પાળ પાસે પૂરો થાય છે. જે અંગે આજે વિરોધ પક્ષના નેતાએ રજૂઆત કરી હતી કે આ રસ્તાની પણ તપાસ કરવામાં આવે તે જરૂરી છે. એ જ પ્રમાણે વાઘોડિયા રોડ ચોકડી પાસે ગુઝુળ વિસ્તારમાં ખેતરોમાં લાખો રૂપિયાના ખર્ચે રસ્તો બનાવી દીધો છે જે અંગે શિવસેનાના અગ્રણીઓએ પણ વિજિલન્સની તપાસની માંગ કરી છે.