બરોડા મેડિકલ કોલેજમાં આજે વિશ્વ મહિલા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. તેના ભાગરૂપે જિલ્લા કલેકટર અતુલ ગોરે, ડીન ડો.તનુજા જાવડેકર અને તબીબી પ્રાધ્યાપકોની ઉપસ્થિતિમાં મહિલા પ્રાધ્યાપકો/ વ્યાખ્યાતા ઇત્યાદિના ઉપયોગ માટે બનાવવામાં આવેલા લેડી ફેકલ્ટી જીમ નો પી.એસ.એમ.મ્યુઝિયમ નજીકની જગ્યામાં પ્રારંભ કરાવ્યો હતો.
હું પણ કલેકટર કચેરીમાં મહિલા અને અન્ય કર્મચારીઓને શારીરિક તંદુરસ્તીની જાળવણી માટે જીમ જેવી સુવિધા શરૂ કરવા પ્રયત્ન કરીશ એવી લાગણી વ્યક્ત કરતાં કલેકટર એ જણાવ્યું કે આમ તો મહિલાઓ ઘરકામ માટે પણ ખૂબ પરિશ્રમ કરતી હોય છે તેમ છતાં, કામકાજી મહિલાઓને તેમના કામના સ્થળે જીમની સુવિધા મળી રહે તો તેમની તંદુરસ્તી જાળવવામાં ઉપયોગી બને. બરોડા મેડિકલ કોલેજની આ આવકાર્ય પહેલ છે.
મધ્ય યુગને બાદ કરતાં ભારતીય સંસ્કૃતિમાં મહિલા અસ્મિતાનું સદા ગૌરવ કરવામાં આવ્યું છે. હવે ભારત સરકાર અને રાજ્ય સરકાર અનેકવિધ યોજનાઓ દ્વારા નારી ગૌરવનની ભાવનાને વેગ આપી રહી છે. તેમણે ડીન અને તેમની ટીમને આ સુવિધા માટે અભિનંદન આપ્યા હતા. દાતાઓના સહયોગથી આ લેડી ફેકલ્ટી જીમ બનાવ્યું છે તેવી જાણકારી આપતાં ડીન ડો.તનુજા એ જણાવ્યું કે પી.એસ.એમ.મ્યુઝિયમ પાસે ઉપલબ્ધ જગ્યાનો તેના માટે સાર્થક ઉપયોગ થયો છે.
અહીં વિવિધ હળવી શારીરિક કસરત, યોગ અને વ્યાયામ થઈ શકે તેવા જુદાં જુદાં ઉપકરણો રાખવામાં આવ્યા છે જેનો ઉપયોગ મહિલા પ્રશિક્ષકો કામ પૂરું કરીને ઘરે જાય તે પહેલાં પોતાની ફૂરસતે કરી શકશે. આ સુવિધા તેમને સ્વાસ્થ્ય સંભાળમાં મદદરૂપ બનશે.