વડોદરામાં સન ૨૦૧૫ માં પીડિત મહિલાઓ, બાળકીઓને ત્વરિત સહાયતા, સુરક્ષા અને માર્ગદર્શનની સેવાઓ હાથવગી ઉપલબ્ધ કરાવવા ટેલિફોન નં.૧૮૧ આધારિત અભયમ મહિલા સુરક્ષા સેવાનો પ્રારંભ થયો. આ સેવાનો આધારસ્તંભ કાઉન્સેલર બહેનો છે. મુસીબતમાં મુકાયેલી મહિલાઓ અને બાળકીઓને ત્વરિત મદદ પહોંચાડવી અને સુરક્ષા આપવી એ આ સેવાનું લક્ષ્ય હોવાથી, તેમાં મહિલાઓને જ કાઉન્સેલર તરીકે પસંદ કરવામાં આવે છે કારણ કે તેઓ પીડિત અને આફતમાં મુકાયેલી મહિલાઓ, બાળકીઓનો વિશ્વાસ જીતી શકે છે અને તેઓની મુશ્કેલીઓ, વેદના અને સંવેદનાઓ સમજીને એનું સુખદ નિરાકરણ આણી શકે છે. કાઉન્સેલર બહેનો મોટેભાગે સમાજકાર્યના અનુસ્નાતક( msw) જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવાથી સમજાવટ, પરામર્શ અને ઉકેલનું કામ સૂઝબૂઝથી કરી શકે છે.
વડોદરા અભયમ સેવાના કાઉન્સેલર મનીષાબેન પરમાર હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના સમાજ સેવાના અનુસ્નાતક છે અને તેઓ ગુજરાતમાં ૨૦૧૩ માં આ સેવાની પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂઆત થઈ ત્યારે તેમાં જોડાયા હતા. તે પછી તેઓ ૨૦૧૫ માં વડોદરામાં આ સેવાની શરૂઆત થઈ ત્યારથી સેવા આપી રહ્યાં છે એટલે કે તેઓ ગુજરાતમાં આ સેવા સાથે શરૂઆતથી જોડાયેલા રહ્યાં હોય એવા જૂનામાં જૂના કાઉન્સેલર પૈકીના એક અને વડોદરા સેવાના સૌથી વરિષ્ઠ કાઉન્સેલર છે. તેમના પછી પીનલ પટેલ વડોદરા સેવા સાથે ૨૦૧૫ થી અને અન્ય ૬ જેટલી સાથી મહિલા કાઉન્સેલર તે પછીથી મહિલા સુરક્ષામાં નિર્ણાયક યોગદાન આપી રહી છે.
અમારી સેવા સતત ૧૨ કલાકની હોવાથી નોકરીની ફરજો અને અમારા ઘર, પરિવાર, બાળકો અને વડીલોની સારસંભાળ, આ બંને પાસાઓ વચ્ચે સંતુલન જાળવીને કામ કર્યા સિવાય છૂટકો નથી તેવી લાગણી વ્યક્ત કરતાં અને પોતાના અનુભવો વાગોળતા મનીષાબેન જણાવે છે કે કોરોનાના લોકડાઉન દરમિયાન મહિલાઓની વિશિષ્ઠ પ્રકારની મુશ્કેલીનું નિરાકરણ આણવાની જવાબદારી ઉઠાવવી પડી.
કોરોના એક ચેપી બીમારી હોવાથી અને એનો ભારે ખૌફ હોવાથી કેટલીક કોરોના સંક્રમિત પીડિતાઓની, તેમના કુટુંબીજનો તેમની સાથે અણછાજતું વર્તન કરતાં હોવાની,તેમની જરૂરી કાળજી લેવાને બદલે અપમાનિત કરીને અસહાય હાલતમાં મૂકતા હોવાની ફરિયાદો મળી હતી.જો કે અમે સમજાવટ થી કામ લઈને આવા કિસ્સાઓ નું નિરાકરણ આણ્યું હતું.આ સમયગાળામાં ઘરેલું હિંસાની ફરિયાદો વધી હતી અને જોખમ વચ્ચે ચેપથી બચીને, પરિવારને સાચવીને અવિરત સેવાનો અનોખો અને યાદગાર અનુભવ મળ્યો એવું એમનું કહેવું છે. કાઉન્સેલર તરીકે ઘણીવાર મને અને રેસ્કયુ ટીમના સદસ્યોને જોખમી પરિસ્થિતિનો સામનો કરવો પડયો હોય એવું બન્યું છે.જો કે આવી કટોકટીમાં અમે સમજાવટ અને ચર્ચાની મદદથી અને નજીકના પોલીસ મથકની મદદ લઈને કામ કર્યું છે. તેઓ કહે છે કે આ સાત વર્ષની સેવા દરમિયાન ત્રણથી વધુ બાળ લગ્નો અટકાવવા હું નિમિત્ત બની છું. સગીરાના બળજબરીથી લગ્ન કરાવવાના એક કિસ્સામાં અમારી સતર્કતાથી બંને પક્ષોના ૧૭ લોકોને બાળ લગ્ન અટકાયત કાયદાની જોગવાઈઓ હેઠળ સજા કરાવવામાં નિમિત્ત બનવાનો આનંદ છે તો દુષ્કર્મના કિસ્સામાં હિંમતપૂર્વક પીડિતાની સાથે રહીને તેને મદદરૂપ બનવાનો હાર્દિક સંતોષ પણ છે. દહેજ માટે ત્રાસના બનાવોમાં પણ કાયદાનો ડર બતાવીને અને સમજાવટ દ્વારા કુટુંબ વિખરાય નહીં તેની કાળજી લઈને નિરાકરણ આણ્યું છે.
ગુજરાત રાજ્યે ૨૦૧૩ માં મહિલા અને બાળકોની સુરક્ષા અને સહાયતાની નમૂનેદાર વ્યવસ્થાના રૂપમાં ૧૮૧ અભયમ મહિલા સુરક્ષા હેલ્પ લાઇન શરૂ કરી હતી. મર્યાદિત વિસ્તારમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ થયેલો આ પ્રકલ્પ આજે તમામ જિલ્લાઓમાં વિસ્તરીને રાજ્યવ્યાપી બન્યો છે.
આ સેવાના વડોદરા એકમના કો ઓર્ડીનેટર શ્રી ચંદ્રકાંત મકવાણા કહે છે કે વડોદરા શહેર અને જિલ્લામાં અમારી સેવા સાતમા વર્ષમાં પ્રવેશી છે અને આ દરમિયાન મહિલા સુરક્ષામાં સહ ભાગીદારી અને યોગદાનનો અમને આનંદ છે.
અમારી કાઉન્સેલર બહેનો અને રેસ્ક્યુ ટીમના સદસ્યો પીડિત મહિલાઓના તમામ કોલ કાળજીપૂર્વક સાંભળે છે અને શક્ય તેટલી ઝડપે ઘટના સ્થળે પહોંચી તેમને જરૂરી મદદ પહોંચાડવાની સાથે હૂંફ,સંવેદના અને સદભાવનાની અનુભૂતિ કરાવી તેમનો વિશ્વાસ જીતીને પરિણામલક્ષી કામ કરી રહ્યાં છે.અમારા ટીમ મેમ્બર્સ નું સંનિષ્ઠ સેવાઓ માટે વિવિધ મંચો પર સન્માન થયું છે.ગંભીર પ્રકારના ગુનાઓના કેસોમાં જરૂર પડે પોલીસ સહાયતા લેવામાં આવે છે.
પોલીસ તંત્ર દ્વારા મહિલા પોલીસને અમારી રેસ્ક્યુ ટીમના સદસ્ય તરીકે મોકલવામાં આવે છે જેમનું પણ આ મહિલા સુરક્ષા સેવાની સફળતામાં ઘણું મોટું યોગદાન છે. રાજ્યવ્યાપી ૧૮૧ અભયમ સેવાને ૨૦૧૫ થી ૨૦૨૧ સુધીમાં કુલ ૯૭૬૦૦૦ જેટલા કોલ્સ પીડિત/ આપત્તિમાં મુકાયેલી મહિલાઓના મળ્યા છે અને આ પૈકી આવશ્યકતા પારખીને ૨ લાખથી વધુ કેસોમાં રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે મોકલીને પીડિતાઓ ને જરૂરી મદદ કરવામાં આવી છે.
વડોદરા સેવાની વાત કરીએ તો ૨૦૨૧ ના વર્ષમાં અભયમ,વડોદરાને મદદ માટેના પોકાર રૂપે ૧૫૦૪૧ કોલ મળ્યા જે પૈકી તાત્કાલિક કાર્યવાહી માંગી લેતાં ૩૧૮૨ કેસોમાં ઘટનાસ્થળે રેસ્ક્યુ ટીમ મોકલીને મદદ પહોંચાડવામાં આવી છે અને બાકીના કેસોમાં બનાવની પ્રકૃતિ પ્રમાણે યોગ્ય સલાહ અને માર્ગદર્શન આપવામાં આવ્યા છે. ૧૮૧ સેવા એક રીતે મુશ્કેલીગ્રસ્ત મહિલાઓ માટે મહિલાઓ દ્વારા સંચાલિત સેવા છે.૧૮૧ ની કાઉન્સિલર બહેનો અને રેસ્ક્યુ ટીમના સદસ્યોએ હંમેશા મુસીબતમાં મુકાયેલી મહિલાઓ,દીકરીઓ ને ‘ મૈ હું ના’ ની પારિવારિક સંવેદનાની અનુભૂતિ કરાવી છે.