Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : સયાજી હોસ્પિટલના પ્રસૂતિ વિભાગ અને બાળ સારવાર વિભાગનાં પ્રયાસથી માતા અને બાળકની કરી જીવન રક્ષા.

Share

સયાજી હોસ્પિટલના પ્રસૂતિ વિભાગ અને બાળ સારવાર વિભાગના ઘનિષ્ઠ અને સંકલિત પ્રયાસોથી એક સામાન્ય પરિવારની કોવિડગ્રસ્ત સગર્ભાની સલામત પ્રસૂતિ અને જન્મતાની સાથે જ જીવન મરણની કટોકટીમાં મુકાયેલા નવજાત શિશુની જીવન રક્ષામાં સફળતા મળતાં સૌએ આનંદની લાગણી અનુભવી છે.૧૪ દિવસની સઘન સારવાર પછી સ્વસ્થ થયેલા બાળકને લઈ ગઈકાલે માતા પિતાએ વિદાય લીધી ત્યારે સૌ એ પોતાના પ્રયત્નોને મળેલી સફળતા માટે પરમાત્માનો આભાર માન્યો હતો.

વાઘોડિયા તાલુકાના ગણેશપુરા ગામના પ્રીતિ કમલ જાટવને પ્રસુતિની પીડા ઉપડતાં નજીકના સાર્વજનિક ખાનગી દવાખાનામાં દાખલ કર્યા. જોકે આ સગર્ભાનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવતા ત્યાંથી તેમને સયાજી હોસ્પિટલને રીફર કરવામાં આવ્યા.

Advertisement

ઇન્ચાર્જ સિસ્ટર ભાનુબેને જણાવ્યું કે પ્રીતિબેનને અમારા પ્રસૂતિ વિભાગમાં લાવવામાં આવ્યા ત્યારે તેમની હાલત ગંભીર હતી અને પ્રસૂતિનો સમય થઈ ગયો હતો. આટલી મુસીબતો ઓછી હોય તેમ પ્રસૂતિ વિભાગના તબીબોએ તેમની તપાસ કરી ત્યારે જણાયું કે બાળકની પોઝિશન ઊંધી હતી એટલે કે માથું પહેલા અને પગ પાછળના બદલે પગ આગળ અને માથું પાછળની breech presentation ની જોખમી સ્થિતિમાં બાળક હતું. આવા સંજોગોમાં મોટેભાગે શસ્ત્રક્રિયા દ્વારા પ્રસૂતિ કરાવવી સલામત ગણાય છે.જો કે પ્રસૂતિ વિભાગના નોડલ ઓફિસર ડો.મૈત્રીના માર્ગદર્શન હેઠળ ડો.ટ્વિંકલ અને સહયોગી સ્ટાફે તેમના અનુભવનો વિનિયોગ કરીને નોર્મલ પ્રસૂતિ કરાવી એટલે પહેલા બે પડકારો તો પરાસ્ત થયાં.

નવજાત શિશુ જન્મતાની સાથે પહેલું રુદન કરે ત્યારે તેના શ્વાસનું કુદરતી ચક્ર ચાલુ થાય છે.પણ આ નવજાત રડ્યું જ નહિ એટલે નવી કસોટી ઊભી થઈ. બાળ સારવાર વિભાગના વડા ડો.શીલા ઐયરના માર્ગદર્શન હેઠળ યુવા તબીબો ડોકટર ભાર્ગવ અને ડો.લોકેશે આ બાળકને રડાવવા માટે પોતાના તબીબી જ્ઞાન અને કુશળતાથી વિવિધ પ્રયાસો કર્યા,બાળકને શ્વાસ આપ્યા, ફ્રી ફ્લોથી ઓક્સિજન આપ્યો, હળવી એન્ટીબાયોટિક્સ આપી અને તેને ઇન્ક્યુબેટરમાં રાખ્યો. આખરે છેલ્લા ઉપાય તરીકે ચેસ્ટ એક્ષસરે ના આધારે તેના ફેફસામાં આઇ.સી.ડી.નાંખીને પ્રોસિજર કર્યો જેને સફળતા મળતાં આખરે બાળક રડ્યું અને સૌને હાશકારો થયો.

કુદરતની કેવી લીલા છે કે જન્મ સમયે બાળક રડે ત્યારે જીવનની ચેતના પ્રગટે છે અને ના રડે તો તેનું જીવન જોખમમાં હોવાનો સંકેત મળે છે…!!!

બાળક સહેલાઇથી માતાનું ધાવણ લેતું થયું અને તેનામાં ચપળતા પ્રગટી એટલે ગઈકાલે ૧૪ દિવસની ઘનિષ્ઠ સારવાર પછી સ્વસ્થ બાળકને લઈને માતાપિતાએ સૌનો,સરકારી આરોગ્ય સેવાનો આભાર માનીને,ખુશખુશાલ થઈને વિદાય લીધી. આમ, સયાજીના પ્રસૂતિ અને બાળ રોગ વિભાગે ફરી એકવાર સૌની કાળજી લેતી,કુશળ અને સતર્ક આરોગ્ય સેવાનો ઉજ્જવળ દાખલો બેસાડ્યો.


Share

Related posts

અંકલેશ્વર- બી.ટી.પી મહિલા પ્રમુખે દેશી દારૂના બુટલેગર પર કરી શહેર પોલીસ મથકે ફરિયાદ

ProudOfGujarat

નડિયાદ : ઠાસરા તાલુકાના બાધરપુરા પાસે કેનાલમાં કાર ખાબકતાં બે વ્યક્તિઓ લાપતા.

ProudOfGujarat

રાજપીપળા શહેરની શાન ગણાતા પ્રવેશ દ્વાર પર જ આવેલા વિજયસિંહજી રાજાનાં ઐતિહાસિક સ્ટેચ્યુની જર્જરિત હાલત : પાલિકા તંત્ર સ્મારક તરફ કેમ ભારતા નથી..?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!