વડોદરા શહેરી વિસ્તારમાં સંગીતા નિશિત વણઝારાની આગેવાની હેઠળ કાર્યરત ૧૦ મહિલા સદસ્યોનું સખી મંડળ તેની પ્રવૃત્તિઓને લીધે તેમના પરિવારો માટે આર્થિક પીઠબળનું માધ્યમ બન્યું છે. પ્રબળ આત્મ વિશ્વાસ ધરાવતા સંગીતાબેને તાજેતરના શહેરી ગરીબ મેળા પ્રસંગે જણાવ્યું કે વડોદરા મહાનગર પાલિકા સંચાલિત યુસીડી પ્રોજેક્ટ હેઠળ દીનદયાળ અંત્યોદય યોજના અંતર્ગત રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશનના ભાગરૂપે ૨૦૨૦ માં અમે ૧૦ બહેનોએ ભેગા થઈને રેણુકા સખી મંડળ બનાવ્યું. અમારા પરિવારોની ટાંચી આવકમાંથી બચાવી અમે દર મહિને પ્રત્યેક સદસ્ય મહિલાના રૂ.૩૦૦ / ના ફાળાથી બચત પ્રવૃત્તિઓ શરૂ કરી.
અમારા મંડળની નિષ્ઠાને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે અમને ૬ મહિના પછી રૂ.૧૦ હજારનું રિવોલ્વિગ ભંડોળ ફાળવતા અમારો આત્મવિશ્વાસ વધ્યો. યુસિડી પ્રોજેક્ટ દ્વારા અમને લર્નિંગ લિંક ફાઉન્ડેશન દ્વારા ત્રણ દિવસની ઉત્પાદકીય પ્રવૃત્તિઓની તાલીમ આપવામાં આવી જે અમારા માટે આજે આવકનું માધ્યમ બની છે. આ અંગે યુસિડી પ્રોજેક્ટના સિટી મિશન મેનેજર અલ્પા ગોડિયાએ જણાવ્યું કે આ સખી મંડળે તાલીમનો ખૂબ સારો વિનિયોગ કર્યો છે. તેઓ વિવિધ પ્રકારના નાસ્તા, પાપડી પાપડ અને મહારાષ્ટ્રથી સામગ્રી મંગાવી ધૂપ દીપ બનાવે છે જેનાથી મંડળને સારી આવક થાય છે અને બહેનોની આત્મ નિર્ભરતા વધી છે.
સંગીતાબેન કહે છે કે અમારાં મંડળના ઉત્પાદનો નાના મોટા વેપારીઓ ખરીદે છે એટલે અમે પ્રોત્સાહિત થયાં છે.આજીવિકા મિશને અમને ઘણું મોટું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. આ મંડળ સાથે જોડાયેલી બહેનો એક સમયે ભાગ્યે જ ઘરની બહાર નીકળતી ક્યારેય બેંકનું પગથિયું ચઢી ન હતી. આજે તેઓ બેંકનું કામકાજ પણ જાતે કરી શકે છે. તેમના જીવનમાં ક્યારેય ધાર્યું ન હોય એવું સકારાત્મક પરિવર્તન આવ્યું છે. કોરોના કાળની વિટંબણાઓ ધ્યાને લઇને ગુજરાત સરકારે સખી મંડળોને ટેકો આપવા વગર વ્યાજે ધિરાણ આપ્યું તેમાં આ મંડળને રૂ.૧ લાખની લોન મળી જેના પગલે તેમને પ્રવૃત્તિઓ વિસ્તારવાની તક મળી છે. સંગીતાબેન જણાવે છે કે સામાન્ય પરિવારોની શ્રમજીવી મહિલાઓને રાજ્ય સરકાર જે પ્રોત્સાહન આપે છે તે આત્મ વિશ્વાસ વધારે છે અને આત્મ નિર્ભર બનવાની તક આપે છે.