અમુલ દ્વારા દૂધના ભાવમાં લિટરે બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ત્યારે બરોડા ડેરી દ્વારા પણ આગામી દિવસોમાં દૂધના ભાવમાં વધારો કરે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી. બરોડા ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો ન કરે તે માટે શહેર યુવા કોંગ્રેસ દ્વારા આજે બરોડા ડેરી ખાતે દેખાવો સૂત્રોચ્ચાર કર્યા હતા અને દૂધનો ભાવ વધારો ન કરવા માટેની માંગણી સાથે બરોડા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનને આવેદનપત્ર આપી ધારદાર રજૂઆત કરી હતી.
અમુલમાં સમયાંતરે દૂધના ભાવમાં કરવામાં આવી રહેલા ભાવ વધારાને પગલે ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ જતું હોય છે તે સાથે ટૂંકી આવકમાં પર ગુજરાન ચલાવતા પરિવારજનો માટે દૂધનો ભાવ વધારો પણ અસર પડે છે, જોકે લોકો હવે ભાવ વધારાના આદિ બની ગયા હોય તે રીતે મૂંગા મોઢે સહન કરી રહ્યા છે જેનો ફાયદો સત્તાવાળાઓ લઇ રહ્યા છે. અવાર-નવાર જીવન જરૂરી ચીજ વસ્તુઓમાં પણ ભાવ વધારો કરતાં ખચકાતા નથી ત્યારે વધુ એકવાર અમૂલના દૂધમાં પ્રતિલીટર રૂપિયા 2 નો વધારો કરવામાં આવતાં બરોડા ડેરી દ્વારા પણ આગામી દિવસોમાં દૂધના ભાવમાં વધારો કરે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી. આ સંજોગોમાં બરોડા ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં ન આવે તે માટે વડોદરા શહેર યુવા કોંગ્રેસ દ્વારા આજે બરોડા ડેરી ખાતે પહોંચ્યા હતા અને બરોડા ડેરી સામે દેખાવો અને સૂત્રોચ્ચાર કરી દૂધના ભાવમાં વધારો કરવામાં ન આવે તેવી ઉગ્ર માંગણી કરી હતી તે સાથે શહેર યુવા કોંગ્રેસ દ્વારા બરોડા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનને આવેદનપત્ર આપ્યું હતું અને રજૂઆત કરી હતી કે અગાઉ જ્યારે અમુલ દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો ત્યારે બરોડા ડેરી દ્વારા પ્રતિલીટર રૂપિયા ચાર વધારો કરવામાં આવ્યો હતો. આથી આ વખતે બરોડા ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવે નહીં બરોડા ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવશે તો અમારે ન છૂટકે આંદોલનનો માર્ગ અપનાવવો પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.
શહેર યુવા કોંગ્રેસના અગ્રણીઓએ જણાવ્યું હતું કે અચ્છે દિનની વાતો કરનાર ભાજપ સરકારમાં જીવન જરૂરી ચીજવસ્તુઓ સહિત વિવિધ ચીજવસ્તુઓમાં અવારનવાર થઈ રહેલા ભાવ વધારાના પગલે લોકોને જીવવું મુશ્કેલ થઈ ગયું છે જેમાં ચીજ વસ્તુઓમાં પણ સમયાંતરે થઇ રહેલા ભાવવધારાના પગલે ગરીબથી લઈને મધ્યમ વર્ગના લોકો માટે મુશ્કેલ બન્યું છે.