જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, વડોદરા દ્વારા મનરેગા યોજના અને બાગાયત વિભાગ સહયોગથી આગામી વર્ષ ૨૦૨૨-૨૩ માં વ્યકિતગત લાભાર્થીઓને બાગાયતના કામોના લાભ આપવામાં આવશે.
આ યોજના હેઠળ ખેતરપાળાની ફરતે બાગાયત/ફળાઉ વૃક્ષોનાં વાવેતર (વ્યકિતગત), પડતર જમીનમાં ફળાઉ વૃક્ષોનું બ્લોક પ્લાન્ટેશન, નર્સરી દ્રારા મનરેગાના વ્યકિતગત લાભાર્થીઓ જેવા કે, અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, વિચરતી જનજાતિ, વિમુકત આદિવાસી જનજાતિ, ગરીબી રેખા હેઠળ જીવતાં કુટુંબો, મહિલાઓ આધારિત કુટુંબો ઘર(કુટુંબ વડા સ્ત્રી), શારીરિક વિકલાંક આધારિત કુટુંબ(કુટુંબ વડા વિકલાંગ) જમીન સુધારણાના લાભાર્થી, પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) હેઠળના લાભાર્થી, નાના-સીમાંત ખેડુત કૃષિ દેવુ માફી અને દેવુ રાહત યોજનાના લાભાર્થીઓને સમાવેશ કરવામાં આવશે.
ચાલુ વર્ષે ૨૦૫ જેટલા બાગાયતના કામો હેઠળ ૧૧૦૦૦ જેટલા રોપા ફાળવી લાભાર્થીઓને મનરેગા હેઠળ આવરી લેવામાં આવ્યા છે. બાગાયત વિભાગ દ્રારા આઇ- ખેડુત પોર્ટલના લાભાર્થીઓની યાદી આપવામાં આવશે જેમાં મનરેગાના સિકયોર પોર્ટલ થકી બાગાયત વિભાગ દ્રારા તાંત્રિક મંજુરી -માર્ગદર્શન મેળવી કામો શરૂ કરવામાં આવશે. આ અંગે મનરેગા યોજનાના લાભાર્થીઓની કુલ ક્ષેત્રફળ જમીનના ઓછામાં ઓછી ૨૦ ટકા ક્ષેત્રફળ જમીનમાં બાગાયત વનીકરણ કરવામાં આવશે.
આગામી નવ માસ માટે ૧૭૫ બાગાયતોના કામો સાથે રૂ. ૬૫.૪૦ લાખના કામો કરવામાં આવશે. વર્ષ ૨૦૨૨-૨૩ માં અંદાજિત ૩૧૦ બાગાયતી કામોના વાવેતર સહિત રૂ.૯૧.૦૦ લાખના કામો લેવામાં આવ્યા છે અને વ્યકિતગત આજીવિકા વધારતા કામો દ્રારા કુલ ૧૧ પ્રકારના મનરેગાના વ્યાખ્યાયિત લાભાર્થીઓને મનરેગા અને બાગાયત વિભાગ દ્રારા લાભાન્વિત કરવામાં આવશે એમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સંજય પંડ્યાએ જણાવ્યું છે.