રાજ્યના આરોગ્ય વિભાગે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ વડોદરા શહેરી વિસ્તારમાં આરોગ્ય સેવાઓના મજબૂતીકરણ માટે ૧૫ આરોગ્ય સેવા વાનો ફાળવી છે. મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી મનીષાબેન વકીલે ગરીબ કલ્યાણ મેળા પ્રસંગે સાંસદ, મેયર અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં તેનું લોકાર્પણ કરીને મહાનગરપાલિકા આરોગ્ય તંત્રને સુપ્રત કરી હતી.
આ વાનો દ્વારા નવજાત શિશુથી લઈને ૧૮ વર્ષની ઉંમર સુધીના બાળ કિશોરોને ૪ડી પ્રમાણેની આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમાં જન્મજાત ખામી, ઉણપ, રોગો અને વિલંબિત વિકાસને લગતી આરોગ્ય સેવાઓનો સમન્વય થાય છે.
આ વાનો સમયાંતરે શાળાઓ, બાળ મંદિરો, આંગણવાડી કેન્દ્રો ઇત્યાદિની મુલાકાત લેશે અને ઉપર જણાવ્યા અનુસાર ૪ડી વિષયક તપાસ કરશે, જરૂરી સારવાર આપશે અને યોગ્ય કિસ્સાઓમાં રેફરલ સારવારનું સંકલન કરશે. સારવારની તાકીદની જરૂર હોય તો સયાજી કે ગોત્રી જેવી હોસ્પિટલોમાં પીડિતોને લઈ જવાની વ્યવસ્થા કરશે. આ સેવાઓ વિનામૂલ્યે આપવામાં આવશે.