વડોદરાના સયાજી નગર ગૃહમાં વડોદરા શહેરી વિસ્તારના ૧૨ મા ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાવતા મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી મનીષાબેન વકીલે જણાવ્યું કે રાજ્ય સરકારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના દૃષ્ટિવંત માર્ગદર્શન હેઠળ આખા રાજ્યમાં ત્રણ દિવસના ગરીબ કલ્યાણ મેળાઓના કરેલા આયોજનથી રાજ્યમાં ગરીબ કલ્યાણની ચેતના અને ક્રાંતિ પ્રગટી છે. ગરીબ કલ્યાણ મેળાઓએ ગુજરાતની આગવી પહેલ છે જેનો પ્રારંભ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ગરીબી નિવારણ અને છેવાડાના માનવીના ઉત્કર્ષના સચોટ માધ્યમ તરીકે કરાવ્યો હતો.
આજે ગુજરાત સરકાર એમના ગરીબોને સક્ષમ અને આત્મ નિર્ભર બનાવવાના વિચારોને સાકાર કરી રહી છે. તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રીના કુશળ નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે પ્રથમ ૧૨૧ દિવસના શાસનકાળમાં ૨૦૦ જેટલા શકવર્તી નિર્ણયો લીધાં છે જેના પગલે લોકોને તેમના માટેની યોજનાઓનો લાભ ઝડપથી અને સરળતાથી મળતાં થયાં છે.આવકનો દાખલ હવે ત્રણ વર્ષ માટે માન્ય કરાતા અને યોજનાઓના લાભો મેળવવા માટે સોગંદનામાની જરૂરિયાતની નાબૂદી જેવા નિર્ણયોએ લોકોને ખૂબ રાહત મળી છે. સરકારની યોજનાઓના લાભથી ગરીબ ઘરના સંતાનો માટે પાયલોટની તાલીમ લેવી કે વિદેશમાં ભણવા જવું સરળ બન્યું છે. સ્વરોજગારીના વિવિધ પ્રકારના સાધનો યોજનાઓ હેઠળ મળતાં ગરીબોને આવકનો સ્રોત મળ્યો છે. તેમણે ટેકહોમ રેશનની સુવિધાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે રાજ્યની પ્રતિષ્ઠિત ડેરીઓ આ પોષક તત્વો સભર આટો બનાવે છે અને તેમાંથી બનતી સ્વાદિષ્ટ વાનગીઓથી સગર્ભા બહેનો અને બાળકોનું પોષણ વધે છે અને આરોગ્ય સચવાય છે. તેમણે ટકોર કરી હતી કે ગુજરાત સમૃદ્ધ રાજ્ય છે પણ ફૂડ હેબિટને વધુ પોષણદાયક બનાવવાની જરૂર છે. તેમણે મેળાના સુચારુ આયોજન માટે મેયર, મ્યુનિસીપલ કમિશનર અને ટીમ વમપાને અભિનંદન આપ્યા હતાં તથા મહિલા અને બાળ વિકાસ, આરોગ્ય સહિત વિવિધ વિભાગોની જન કલ્યાણ યોજનાઓની વિગતવાર જાણકારી આપી હતી.
વડોદરા શહેરી વિસ્તારના બારમા ગરીબ કલ્યાણ મેળા પહેલા, મેળા દરમિયાન અને મેળા પછી કુલ ૧૧,૩૫૫ લાભાર્થીઓને વડોદરા મહાનગરપાલિકા તેમજ રાજ્ય સરકારના વિવિધ વિભાગોની યોજનાઓ હેઠળ રૂ.૨૪૭ કરોડથી વધુ રકમના લાભો આપવામાં આવી રહ્યા છે. આજના મેળામાં વમપાના આરોગ્ય, આવાસન અને શહેરી સામુદાયિક વિકાસ વિભાગો દ્વારા આયુષ્માન કાર્ડ, કસ્તુરબા પોષણ સહાય, જનની સુરક્ષા, એફોર્ડેબલ હાઉસિંગ વિભાગ દ્વારા આવાસ ફાળવણી અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મફત તબીબી સહાય, નિરાધાર વૃદ્ધ અને વિધવા સહાય, માનવ કલ્યાણ યોજના હેઠળ સ્વરોજગારીના સાધનો, દરજીકામ, ભરતકામ,અથાણાં ઉત્પાદન જેવા વ્યવસાયો માટે યોજનાઓ હેઠળ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
લાભાર્થીઓએ નિવાસની સુવિધા અને આર્થિક વિકાસની તકો આપવા માટે પ્રધાનમંત્રી તેમજ રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. મેયર કેયુર રોકડીયાએ સૌને આવકારતા જણાવ્યું કે પ્રધાનમંત્રીની ઉમદા નીતિ અને નિયત હેઠળ ભારત સરકાર અને રાજ્ય સરકાર તથા વડોદરા મહાનગર પાલિકા અનેકવિધ યોજનાઓનો લોકોને લાભ આપી રહી છે. છેવાડાના માનવીના ઉત્કર્ષના લક્ષ્ય સાથે અસંખ્ય યોજનાઓ અમલમાં છે. હા,વચેટિયા કલ્યાણની યોજના જરૂર બંધ થઈ ગઈ છે જેના પરિણામે લાભો લાભાર્થીઓને સીધેસીધા અને હાથોહાથ મળે છે, લાભની રકમો કટકી બટકી વગર લાભાર્થીઓના ખાતાઓમાં સીધી જમા થાય છે, પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની અંત્યોદયની વિચારધારા તમામ સ્તરે સાકાર થઈ રહી છે.
આ પ્રસંગે સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયા, સીમાબેન મોહીલે, ડો.વિજય શાહ, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલ, પાલિકાના પદાધિકારીઓ, નગરસેવકો, પૂર્વમંત્રી, પૂર્વ નિગમ અધ્યક્ષ, પૂર્વ મેયર, મ્યુનિસીપલ કમિશનર શાલિની અગ્રવાલ, વમપા અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
વડોદરામાં ૧૨ માં ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓને રૂ.૨૪૭ કરોડથી વધુ રકમના લાભોનું કરાયું વિતરણ.
Advertisement