યુક્રેન અને રશિયા વચ્ચે તંગદીલી ભર્યા વાતાવરણ સર્જાયા છે. જેને લઈને યુક્રેનમાં ફસાયેલા વડોદરાનાં વિદ્યાર્થીઓનો પરિવાર ચિંતાતુર બન્યો છે. જેમાં પાદરાના મોભા ગામની અદિતિ પંડયાનો પરિવાર ચિંતાતુર બન્યો છે.
યુક્રેનથી તમામ ભારતીય વિદ્યાર્થીઓએ ઇન્ડિયા પરત આવવા માટેની તૈયારીઓ કરી હતી પરંતુ અદિતીના પિતાના જણાવ્યા અનુસાર ગઈકાલે રાત્રે ઇન્ડિયન સમય પ્રમાણે ત્રણ વાગ્યે જ્યારે અદિતિ યુક્રેનના એરપોર્ટથી ઇન્ડિયા આવવા માટે રવાના થતી હતી તે સમય દરમ્યાન યુક્રેનના એરપોર્ટ પર જાહેરાત કરવામાં આવી કે યુક્રેનથી જતી તમામ ફ્લાઇટો રદ્દ કરી દેવામાં આવી છે. જેને લઇને તેઓને તાત્કાલિક એરપોર્ટ ખાલી કરી 20 કિલોમીટર દૂર લઈ જવામાં આવ્યા હતા. જેને લઈને વડોદરાના ચાર વિદ્યાર્થીઓ એરપોર્ટ ખાતે ફસાયા હતા. આ મામલે અદિતિ પંડ્યાના પિતા અજય પંડયાના જણાવ્યા અનુસાર તેઓએ વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ સાથે વાતચીત કરી હતી. અને તમામ ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા માટે સરકાર મદદ કરે તેવી માંગ કરી હતી.
જોકે આ મામલે વડોદરાના સાંસદ રંજન બેન ભટ્ટે જણાવ્યું હતું કે તમામ ભારતીય વિદ્યાર્થીઓની યાદી વિદેશ મંત્રાલય અને યુક્રેનમાં ભારતીય એમ્બેસીને સોંપવામાં આવી છે. સાથે જ વિદ્યાર્થીઓને ભારતીય એમ્બેસીનો સંપર્ક કરવા માટે સૂચના પણ આપવામાં આવી છે.